જેતપુર સરકારી હોસ્પિટલમાંથી ઓક્સિજન પ્લાન્ટના વાલ્વ-કોપર પાઈપની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીઓ ઝડપાયા.

Loading

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે જેતપુર સરકારી હોસ્પિટલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, તા. 15 થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન જેતપુર સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી પીત્તળના 10 વાલ્વ અને કોપરની નળીઓની ચોરી થઈ હતી. આ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. ભીમાણી, એએસઆઈ અનિલભાઈ બડકોદીયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, મનદીપસિંહ તેમજ કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા સહિતની ટીમે બાતમીના આધારે તપાસ ચલાવી હતી.

તપાસ દરમિયાન કાઠીભાઈ ઉર્ફે કાળીયો જોરૂભાઈ સોલંકી (રહે. ઉના), રોહનભાઈ ઉર્ફે રોનક જીવરાજભાઈ દાભી (મૂળ વિસાવદર, હાલ નવાગઢ) તથા પ્રભાબેન સુરેશભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી પીત્તળના વાલ્વ, કોપરના ટુકડા, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, બે મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ. 34,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી કાઠીભાઈ ઉર્ફે કાળીયો સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર કાર્યવાહી બાદ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જેતપુર સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.

error: Content is protected !!