ગોંડલ નાં ધોઘાવદર-રામોદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના દંપતી અને 13 વર્ષીય પુત્રનું મોત, 16 વર્ષની દીકરી નોંધારી બની.

Loading

ગોંડલ તાલુકાના ધોઘાવદર-રામોદ રોડ પર ટાટા નેક્સોન કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અનિડા ભલોડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, અનિડા ભલોડી ગામના જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉ.વ. 40), શાંતુબેન જયેશભાઈ બગડા (ઉ.વ. 36) અને તેમનો 13 વર્ષીય પુત્ર વ્રજ જયેશભાઈ બગડા સાસુની ખબર કાઢવા માટે રામોદ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધોઘાવદર-રામોદ રોડ પર તેમની એક્ટિવા અને ટાટા નેક્સોન કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

આ કરુણ ઘટનામાં પરિવારની 16 વર્ષની દીકરી માતા-પિતા અને ભાઈની છત્રછાયા ગુમાવી નોંધારી બની ગઈ હોવાની વિગતો સામે આવતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગોંડલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડે માનવતાભર્યું કાર્ય કરી મૃતકોના તાત્કાલિક પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરાવી હતી તેમજ તેમના વતન અનિડા ભલોડી ગામે અંતિમવિધિ માટે જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.

આ દુર્ઘટનાથી અનિડા ભલોડી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

error: Content is protected !!