ગોંડલ પાસે SMCનો મેગા દરોડો: ₹1.81 કરોડનો વિદેશી દારૂ જપ્ત ભરૂડી ટોલ પ્લાઝા નજીક ટ્રકમાંથી 41,580 બોટલો ઝડપાઈ; એક આરોપી ઝડપાયો, ચાર વોન્ટેડ.
![]()
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ભરૂડી ટોલ પ્લાઝા નજીક મોટી કાર્યવાહી હાથ ધરી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે નં. 27 પર દરોડા દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,154 બોક્સમાં ભરેલી 41,580 IMFL બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત અંદાજે ₹1.51 કરોડ થાય છે.
પોલીસે ટ્રક, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1.81 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં ટ્રક ચાલક ભુરારામ કાલુરામ સરણ (રહે. હોડુ ગામ, બાલોત્રા, રાજસ્થાન)ની અટકાયત કરી તેને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
જ્યારે દારૂના સપ્લાયર, ટ્રક માલિક સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલ દારૂ હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ચંદીગઢની વિવિધ ડિસ્ટિલરીઓમાં બનાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.
સમગ્ર મામલે પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. PSI વી.એન. જાડેજા અને PI આર.કે. કરમતા સહિત SMCની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડી દારૂના ગેરકાયદેસર વેપારને મોટો ફટકો આપ્યો છે.












