ગોંડલના શ્રીનાથગઢ-મોવિયા વચ્ચે ગમખ્વાર અકસ્માત : રીબડા આપઘાત કેસની આરોપી યુવતીનું મોત, ૫ વર્ષની બાળકી સહિત ૪ ઘાયલ.
![]()
ગોંડલના શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે આવેલ ‘દાવત બેવરેજીસ’ નજીક આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ૫ વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ, સાસણથી ફરીને પરત ફરી રહેલા મિત્રોની કાળા રંગની સ્કોડા કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. દરમિયાન શ્રીનાથગઢ-મોવિયા રોડ પર દાવત બેવરેજીસ પાસે કારનો ચાલક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તા કિનારે આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કુરચો બોલી ગયો હતો.

આ દુર્ઘટનામાં ૨૫ વર્ષીય પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર ૫ વર્ષની બાળકી સહિત અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તમામને રાજકોટ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતમાં મોતને ભેટનાર પૂજા રાજગોરનું નામ રીબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માતના આશરે ૨૧ કલાક અગાઉ જ પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અજાણ્યા પુરુષ સાથેનો કપલ ફોટો સ્ટોરીમાં શેર કર્યો હતો, જેની પણ ચર્ચા ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.












