રાજકોટમાં લક્ઝરી GT મસ્ટંગ સાથે રિવોલ્વર લઈને રીલ બનાવતા ત્રણ ઝડપાયા.
![]()
રાજકોટ ના ન્યારી ડેમ રોડ પરથી પોલીસે 83.65 લાખનો મુદામાલ કબ્જે કર્યો, પરવાના વાળા હથિયાર મામલે વધુ તપાસ શરૂ.
રાજકોટના ન્યારી ડેમ રોડ પર સરલા કામદાર રોટરી પાર્ક નજીક પોલીસે શંકાસ્પદ હાલતમાં ઉભેલી જીજે.01.કેડબ્લ્યુ.0007 નંબરની GT મસ્ટંગ કારમાંથી ત્રણ યુવકોને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી એક રિવોલ્વર અને જીવતું કાર્ટીસ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
https://www.instagram.com/reel/DYaAKskSp68/?igsh=MXVsaXBsd3lqejRxYg==
પોલીસે ત્રણેય યુવકોના નામ અને ઉંમર પૂછતાં એકનું નામ આદિત્ય રાઠોડ (ઉ.વ.18), બીજાનું નામ ધ્રુમિલ ઠાકોર (ઉ.વ.20) તેમજ ત્રીજો સગીર વયનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.25 લાખ કિંમતની રિવોલ્વર, એક જીવતું કાર્ટીસ, રૂ.80 લાખ કિંમતની GT મસ્ટંગ કાર તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.83.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આદિત્ય અને ધ્રુમિલ રાજકોટ ખાતે તેમના મિત્રના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. દરમિયાન ગઈકાલે રાત્રે તેઓ ન્યારી ડેમ રોડ પર સગીર મિત્રના સંબંધીનું પરવાના વાળું હથિયાર લઈને ફોટોગ્રાફી અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા નીકળ્યા હતા.
તપાસમાં પરવાના વાળું હથિયાર નિલેશભાઈ હિરાણીનું હોવાનું સામે આવતા પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.












