ગોંડલમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર વપરાશ? તંત્ર  પાસેથી કાર્યવાહી કરવાની માંગ તેજ.

Loading

ગોંડલ શહેરમાં ઘરવપરાશ માટે મળતા ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે વેપારી ઉપયોગ થતો હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ભારત સહિત વિશ્વભરમાં ઊર્જા ક્ષેત્ર પર પડી રહી છે, જેના કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો ગેસની અછત સર્જાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિ વચ્ચે ગોંડલ શહેરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ મોટી હોટલો, રેસ્ટોરન્ટ, હાઈવે પર આવેલી મોટી હોટલો, ચાની લારીઓ તેમજ ખાણી-પીણીની રેંકડીઓમાં ખુલ્લેઆમ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નિયમો અનુસાર ઘરવપરાશ માટે મળતા સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ કરવો ગેરકાયદેસર ગણાય છે, છતાં શહેરમાં આ પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી હોવાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે એક તરફ સામાન્ય ગ્રાહકોને ગેસ સિલિન્ડરના વધતા ભાવનો બોજ સહન કરવો પડી રહ્યો છે, જ્યારે બીજી તરફ કેટલીક જગ્યાએ ઘરેલુ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ કરીને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે. જો આ રીતે ઘરેલુ ગેસનો વેપારી ઉપયોગ ચાલુ રહેશે તો ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને સિલિન્ડરની અછતનો સામનો કરવો પડી શકે છે.
સ્થાનિક લોકો દ્વારા ગોંડલ શહેરના જવાબદાર પુરવઠા તંત્ર તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસ હાથ ધરી ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે જો તંત્ર સમયસર સઘન ચેકિંગ હાથ ધરશે તો આવા ગેરકાયદેસર કારોબાર પર રોક લગાવી શકાય અને સામાન્ય ગ્રાહકોના હિતોની રક્ષા થઈ શકશે.
હવે જોવાનું રહ્યું કે ગોંડલ શહેરનું પુરવઠા તંત્ર આ ગંભીર મુદ્દે કેટલું ઝડપથી પગલા ભરે છે અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર ઉપયોગ પર કાબૂ મેળવવા માટે શું કાર્યવાહી કરે છે.
error: Content is protected !!