જેતપુરના જેતલસર રેલ્વે ઓવરબ્રિજ પર કારના બે ટુકડા, 3ના મોત : જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો માણી પરત ફરતા સર્જાયો અકસ્માત.

Loading

આજે વહેલી સવારે રાજકોટના જેતપુરના જેતલસર જંક્શન રેલવે બ્રિજ પર અકસ્માતના બનાવ બન્યો હતો. જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાંથી દર્શન કરીને પરત ફરી રહેલા ચાર મિત્રોની કાર પુલ સાથે અથડાઇ હતી. અકસ્માતના કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને બે ટૂકડા થઇ ગયા હતા. આ બનાવમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી.

મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ બનાવમાં ઘાયલ એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે કાર જેતલસર જંકશન રેલવે બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, કાર સીધી પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાંકારના બે ટુકડા થઈને ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ પહોંચી હતી. પોલીસે ક્રેનની મદદથી રસ્તા પરથી કારના વિખરાયેલા ભાગોને હટાવીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

અકસ્માતનો ભોગ બનેલી કારમાં ત્રણ યુવક અને એક યુવતી સવાર હતા. કારમાં સવાર મુસ્કાન બગડા, અરુણ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ જયદીપ ચૌહાણને સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં મૃત્યુઆંક ત્રણે પહોંચ્યો છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત અમિત પરમાર નામનો યુવક હાલ સારવાર હેઠળ છે.

અકસ્માત બાદ તમામ ઇજાગ્રસ્તો અને મૃતદેહોને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શિવરાત્રીના પવિત્ર પર્વ પર મેળાની ખુશી માણી પરત ફરતા યુવાનોના આ મોતના સમાચારથી તેમના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

error: Content is protected !!