ગુજરાત ભાજપના નેતા અને પૂર્વગૃહમંત્રીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવતી ATS.
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. મહારાષ્ટ્રથી ગોરધન ઝડફિયાને મારવા માટે આવેલો શાર્પશૂટર પકડાયો છે. ગઈકાલે અમદાવાદની રિલીઝ રોડ પર આવેલ વિનસ હોટલમાં શાર્પશૂટર રોકાયો હતો. જેને પકડવા ગયેલા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળ્યા બાદ કરવામાં આવેલ છાપામારીની ઘટનામાં શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું છે.
જોકે, આ શાર્પશૂટર કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હોય તેવો ખુલાસો થતા ચકચાર પ્રસરી હતી, જેમાં નેતા ગોરધન ઝડફિયાનું નામ સામે આવ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેબિનેટમાંથી બહાર નીકળી પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથે વાતચીત કરી હતી. ગોરધન ઝડફિયા સોમનાથના પ્રવાસે સોમનાથમાં હોય સિક્યુરિટી વધારવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશો આપ્યા છે. ખુદ ઝડફિયાએ પણ આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે મને પ્રદીપસિંહનો ફોન આવ્યો છે, બને શકે કોઈએ રેકી કરી હોય…
અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે શાર્પશૂટરે ફાયરિંગ કર્યું, તે ગુજરાતના કોઈ રાજકીય નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. તેને રિલીફ રોડ પર પકડવા જતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કહેવાઈ રહ્યું છે કે, રાજકીય નેતાને મારવાની સોપારી મળી હોવાનું કહેવાય છે. જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાના નામનો ખુલાસો થયો છે. પરંતુ આ મામલે વિધિવત અન્ય વધું ખુલાસાઓ એટીએસ દ્વારા કરવામાં આવશે.