રાજકોટના રિબડામાં ક્ષત્રિય સમાજ સાથે અઢારે વરણ નો એકજ હુંકાર,અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ.
રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં વક્તાઓનો એક જ સુર- ‘અનિરુદ્ધસિંહ જેલ અધિક્ષકની ભૂલનો ભોગ બન્યા’*
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની ૩૭ વર્ષ પહેલા હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજામાંથી મુક્તિ આપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કરી તા.૧૯ સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે, ત્યારે આજે રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજવામાં આવેલા સંમેલનના કારણે ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.
આ સંમેલનના પગલે રીબડામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શંકાસ્પદ વાહનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આજે બપોરે બે વાગ્યા બાદ સંમેલન શરૂ થયું છે, પરંતુ પોલીસ બંદોબસ્ત સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ સંમેલનમાં લોકસભાની ચૂંટણી વખતે આંદોલન ચલાવનાર ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમિતિના હોદેદારોની હાજરી સૂચક જણાતી હતી. સંમેલનમાં ઉપસ્થિત લોકોએ ‘વી સપોર્ટ અનિરૂધ્ધસિંહ જાડેજા’ના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ સંમેલનના આયોજક અતુલ દવેએ જણાવ્યું હતું કે, ઘણા લોકો પોતાને દોઢડાહ્યા સમજે છે, તે ખોટા કાગળો મુકી લોકોને ગેરમાર્ગે દોરે છે. અહીં કોઇ પણ વકતા સરકાર, પક્ષ કે કોઇ વ્યક્તિના વિરૂધ્ધમાં બોલશે નહીં, અમે કોઇના વિરોધમાં નથી. વૈમનસ્ય ફેલાય તેવું કાંઇ કરવાનું નથી. ટેકનિકલ વિષયો ઉપર જ ચર્ચા કરવાની છે.
આ કેસમાં ટેકનિકલ ભૂલ થઇ છે. ૨૦૧૪ માં જે એડવાઇઝરી બોર્ડ મળવું જોઇએ તે તા.૩/૧/૨૦૧૪ના રોજ મળી ગયું છે. આ બોર્ડના આઠમાંથી સાત સભ્યોએ અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી માટે ભલમાણ કરેલી છે અને પોઝિટિવ અભિપ્રાય આપેલો છે. એટલે કે ૨૦૧૪માં છૂટવાના હતા, પરંતુ અનિરૂધ્ધસિંહને ચાર વર્ષ મોડા ૨૦૧૮માં છોડવામાં આવ્યા છે.
હવે આપણે જે રજુઆત કરવાની છે, તેમાં કયાંય ચૂક રહી ન જાય તે જોવાનું છે. અભિપ્રાય આપનારમાં પોલીસ સ્ટેશન, એસ.પી., સેસન્સ જજ અને મહેન્દ્રભાઇ મશરૂએ પણ સારો અભિપ્રાપ આપ્યો હતો.
ભારતના રાષ્ટ્રપતિને અને બંધારણની કલમ ૧૬૧ મુજબ રાજ્યપાલને સજા માફ અથવા ઓછી કરવાનો અધિકાર છે. આ અધિકારની રૂએ તા.૨૫/0૧/૨૦૧૭ના રોજ રાજ્યપાલે પરિપત્ર જેલ આઈ.જી.ને મોકલ્યો અને આ પરિપત્રના અન્વયે ૨૪૨ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
અહીં જે ભૂલ છે તે જુનાગઢ જેલના અધિક્ષકની છે. તેમાં અધિક્ષકે સજામુક્તિ માટે અનિરૂધ્ધસિંહ જાડેજાનું નામ મુકયુ ન હતું. આથી જેલના આઇ.જી.એ સુધારો કર્યો હતો. આઇ.જી.એ માત્ર ભૂલ સુધારી છે, છતાં તેને નિશાન બનાવાય છે.આ કેસમાં ૨૦૧૯માં પીટીશન થઇ ત્યારે જેલ આઇ.જી મલેકે પણ સહમતી આપી છે. ૨૦૨૫માં પણ જેલ આઇજી ચૌહાણે પણ સહમતી આપી છે.
અનિરૂધ્ધસિંહ જાડેજા જેવી અન્ય સાત અરજીઓ થઇ હતી. તેમાંથી છ કેદીને છોડવામાં આવ્યા હતા, પરંતુ અનિરૂધ્ધસિંહ મોટા માણસ હોવાથી વિવાદ ઉભો કરાયો છે.
તેમણે કહ્યું કે આઇજીએ કરેલી કાર્યવાહીમાં સરકારે પણ કોઇ વિરોધ કર્યો નથી. તેથી ખુબ ટુંક સમયમાં બાપુ છુટી જશે. સૌ પ્રથમ ટેકિનકલ અરજી તૈયાર કરી સરકારમાં રજુઆત કરાશે અને જરૂર પડે તો કલેકટર સમક્ષ પણ રજુઆત કરવા જશુ. હાઇકોર્ટે પણ કહ્યું છે કે, બે માસમાં સમિતિ નિર્ણય લઇ શકશે. આપણે સાચા છીએ એટલે સરકાર આપણી સાથે છે.