પુનિત નગરના રજવાડી રાજા : ગોંડલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની પરંપરા યથાવત.
ગોંડલના પુનિત નગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી ચાલી આવતી ગણેશ ઉત્સવની ભવ્ય પરંપરા આ વર્ષે પણ અતૂટ રહી છે. જોકે, મંદિરનું રિનોવેશન કાર્ય ચાલુ હોવાથી, આ વર્ષે ઉત્સવનું સ્વરૂપ થોડું અલગ રહ્યું હતું.
આ વર્ષે વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા પુનિત નગરના રજવાડી રાજા ની દોઢ ફૂટની માટીની ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના રિનોવેશનને કારણે, ગણેશજીની સ્થાપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણીના નિવાસસ્થાને કરવામાં આવી હતી, જ્યાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
પાંચ દિવસીય આ ગણેશ ઉત્સવ દરમિયાન, દરરોજ ગણેશજીને વિશિષ્ટ અને મનોહર શણગાર કરવામાં આવ્યા હતા. દરરોજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોને આરતી ઉતારવાનો લહાવો મળ્યો હતો.
આ પવિત્ર અવસરે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, અશોકભાઈ પીપળીયા, વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ, મહિલા મંડળ, પુનિત નગર, શાસ્ત્રીનગર, નારાયણનગર, સંજય સોસાયટીની મહિલાઓ તેમજ અન્ય ઘણા નામી-અનામી મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ગણેશજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
ઉત્સવના પાંચમા અને અંતિમ દિવસે સાંજે બાપ્પાને વિદાય આપવામાં આવશે. ગણેશજીની પ્રતિમાનું વિસર્જન રૂપાવટી ગામ ખાતે આવેલ મહાપ્રભુજીની બેઠક નજીક, નદીના કિનારે સંપૂર્ણ ધાર્મિક વિધિ-વિધાન સાથે કરવામાં આવી હતી
આમ, મંદિરના રિનોવેશન જેવી પરિસ્થિતિમાં પણ, વિશ્વેશ્વર મહાદેવ મંદિર ગ્રુપે પોતાની પરંપરાને જીવંત રાખીને ભક્તિ અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.