સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ, પુષ્પાંજલિ અને શબ્દાંજલિનો ત્રિવેણી સંગમ થયો.

Loading

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને ગાંધી વિદ્યાપીઠ, વેડછી સંચાલિત સ્નાતક અધ્યાપન મંદિર, બી.એડ્. કોલેજ, વેડછીમાં તારીખ :28 /8/ 2025, ગુરુવારના રોજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે ભાવાંજલિ, પુષ્પાંજલિ અને શબ્દાંજલિનો ત્રિવેણી સંગમ થયો.

કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો ત્યારબાદ કોલેજના પ્રખ્યાતકોએ મળીને સર્વેએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ કોલેજનાં પ્રથમ અને દ્વિતીય વર્ષનાં તાલિમાર્થીઓએ અહોભાવ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને શૌર્ય, રાષ્ટ્રપ્રેમ, પ્રકૃતિપ્રેમ, માતૃપ્રેમ, માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને સાહિત્ય પ્રત્યેનાં પ્રેમ વિશે તેમની જ રચનાઓ પ્રસ્તુત કરીને ખરાં અર્થમાં ભાવભીના શબ્દોથી શબ્દાંજલી આપી. કોલેજનાં ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનાં પ્રાધ્યાપક ડૉ. ભાવના મહેતાએ ઝવેરચંદ મેઘાણીનાં જીવનનાં પ્રેરણાદાયી પ્રસંગો અને પંક્તિઓ પ્રસ્તુત કરીને સૌરાષ્ટ્રનાં સિંહસમા મેઘાણીને નમન કરતા જણાવ્યું કે પાળિયા બેઠા કરવાની તાકાત કલમમાં હોય છે.

ઝવેરચંદ મેઘાણીએ પોતાની કલમનો ઉપયોગ કંઈક આવી જ રીતે સ્વતંત્રતા પ્રાપ્તિ માટે કર્યો. તેમના તત્કાલિન લેખો – કવિતાઓ વગેરે સ્વાતંત્રતાની જંગમાં સામેલ થવા માટે યુવાનોને ખુલ્લુ આહવાન હતું. અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ લડીને, સત્યાગ્રહો કરીને કે પછી ઝવેરચંદ મેઘાણી, વીર નર્મદ જેવા સાહિત્યકારોએ કલમના જોરે સ્વતંત્રતાને પામવા પોતાનાથી બનતું સઘળું કર્યું છે. અંતે આવા ઉમદા સાહિત્યકાર, રાષ્ટ્રપ્રેમી ઝવેરચંદ મેઘાણીને નમન કરી, મેઘાણી રચિત કાવ્ય *”નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,ખબર છે આટલી કે માતની હાકલ પડી છે;

જીવે મા માવડી એ કાજ મરવાની ઘડી છે:ફિકર શી જ્યાં લગી તારી અમો પર આંખડી છે?”* -પંક્તિ દ્વારા પોતાનું વક્તવ્યપૂર્ણ કર્યું.


કાર્યક્રમનાં અંતે મોર બની થનગાટ કરે ગીત પર નૃત્ય અને અષાઢી સાંજનાં અંબર ગાજે સમૂહગીત પ્રસ્તુત કરી સર્વેએ રાષ્ટ્રીય શાયરને નમન કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો.


સમગ્ર કાર્યક્રમ આચાર્યા ડૉ. અંજનાબેન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ અને ડૉ. ભાવનાબેન મહેતાનાં સંકલનથી સફળ બન્યો. તમામ અધ્યાપકો તેમજ તાલિમાર્થીઓએ સક્રિય સહભાગીતા દર્શાવી.

error: Content is protected !!