ગોંડલના RDC બેંકના કર્મી વ્યાજખોરીમાં ફસાયા: વ્યાજખોર પિતા-પુત્રએ પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજંકવાદીઓ વિરુદ્ધ મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
ગોંડલના બેંક એકાઉન્ટન્ટે દીકરીને અભ્યાસ અર્થે લંડન મોકલવા વ્યાજખોર પિતા-પુત્ર પાસેથી આઠ લાખ રૂપિયા ચાર ટકા વ્યાજે લીધા હતા. જે આઠ લાખની સામે રૂ. 7.68 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજ અને નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં પિતા-પુત્ર વિરુદ્ધ ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ગોંડલના જેતપુર રોડ પર સંજય સોસાયટીમાં રહેતા 53 વર્ષીય પ્રૌઢ કેતનભાઈ બાબુભાઈ સોરઠીયાએ નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર આરોપી તરીકે અજિત સોલંકી અને મિલન અજિત સોલંકી નામના પિતા-પુત્રનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ સુલતાનપુર આર.ડી.સી.બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
આશરે બે વર્ષ પહેલા તેમની દીકરી દ્રષ્ટીને અભ્યાસ માટે લંડન મોકલવાની હોય જેથી નાણાની જરૂરીયાત ઉભી થતા અજીત સોલંકી (રહે.ગોંડલ ભવનાથ મામાદેવના મંદીર પાસે)થી રૂ.4 લાખ માસીક 4% વ્યાજે લીધેલ હતા અને ફરી વખત પૈસાની જરૂર પડતા અજીતના દીકરા મીલન પાસેથી તા.20/01/2024 ના રૂ.4 લાખ માસીક 4% વ્યાજે લીધેલ હતા.
મીલન પાસેથી વ્યાજે લીધેલ તે બાબતે તા.20/01/2024 ના હાથ ઉછીના પૈસા લીધેલ હોવાનુ તેઓ પાસેથી નોટરી લખાણ કરાવી લીધેલ હતું. જે પૈસા મીલનને પાંચ મહીનાની અંદર ચુકવી આપવાના રહેશે તેવુ લખાણ કરાવેલ હતું. તેમજ તેમની પાસેથી સહી કરેલ બે કોરા ચેક પણ મિલને લીધેલ હતા. આજ સુધી પિતા-પુત્રોને રૂ.7.68 લાખ વ્યાજ પેટે ચુકવી આપેલ હોય છતા વધું પૈસાની માગણી કરતા હોય તેમજ ગત ફેબ્રુઆરી માસમાં બન્ને બાપ-દીકરો તેમના ઘરે આવેલ હતા અને પત્નીની હાજરીમા વ્યાજના પૈસાની માગણી કરેલ હતી.
ત્યાર બાદ એકવાર ફરીયાદીની ગેરહાજરીમા બંન્ને બાપ દીકરો ઘરે આવેલ અને પત્નીને કહેલ કે, તમારા પતિને કહેજો અમે આવેલ હતા અને અમારા પૈસા વ્યાજ સહીત દુકાને આવી આપી જાય નહીતર જોયા જેવી થશે તેવી ધમકી પણ આપેલ હતી.
અજીત સોલંકી ફોનમા પણ અવાર નવાર વ્યાજ સહીતના પૈસાની માગણી કરી ગાળો આપી માનસીક ત્રાસ આપતા હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી ગોંડલ બી’ ડિવિઝન પોલીસે મની લેન્ડિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વ્યાજખોર પિતા-પુત્રની શોધખોળ શરૂ કરી હતી.