ગોંડલના જામવાડી પાસે ઝૂંપડાની બહાર સૂતેલા શ્રમિકને ટ્રકે કચડી નાખ્યો, કમકમાટીભર્યું મોત: યુવકના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા.
ગોંડલ નજીક જામવાડી ચોકડી પાસે નેશનલ હાઇવેનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન અહી મજૂરી કામ કરનાર અને અહીં જ ઝૂંપડામાં રહેતો શ્રમિક યુવાન રાત્રીના ઝૂંપડા બહાર સૂતો હતો ત્યારે ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક રિવર્સમાં વાહન ચલાવતા આ યુવાન ટ્રક હેઠળ કચડાઈ ગયો હતો. બાદમાં ટ્રકચાલક વાહન લઇ નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાજસ્થાની યુવાનનું સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું.
બનાવ અંગે યુવાનના સંબંધીની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટનાર શ્રમિક યુવાનના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું હતુ.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કેલાપાડા ગામના વતની અને હાલ ગોંડલ જામવાળી ચોકડી પાસે બાલાજી માર્કેટની બાજુમાં ઝૂંપડામાં રહેતા અંબાલાલ મોહનલાલ ડામોર(ઉ.વ 23) નામનો યુવાન રાત્રિના રોડ નાં કાંઠે ઝૂંપડા પાસે બહાર સૂતો હતો ત્યારે અહીંથી પસાર થયેલા ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક ટ્રક રિવર્સમાં લેતા યુવાન ટ્રક હેઠળ કચડાઈ ગયો હતો. બાદમાં તેણે બૂમાબૂમ કરતા અને તેનો મિત્ર ઝુપડામાંથી બહાર આવી જોતા આ ટ્રક ચાલક ટ્રક લઈ નાસી ગયો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે મૃતક અંબાલાલના કાકા પ્રેમભાઈ ગૌતમભાઈ ડામોર (ઉ.વ 28 )દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને તે તેનો ભત્રીજો અંબાલાલ અને અન્ય સગા વાલા સાથે અહીં જામવાડી પાસે નેશનલ હાઈવે રોડનું સિક્સ લાઈનનું કામ ચાલુ હોય જેથી વતનથી એકાદ માસથી અહીં ગોંડલ ખાતે મજૂરી કામે આવ્યા છે અને ઝૂંપડામાં રહે છે.
ગઈકાલે રાત્રિના તેનો ભત્રીજો મિત્રના ઝૂંપડા પાસે સુવા ગયો હતો દરમિયાન આ ઘટના બની હતી. યુવકના મિત્રએ ટ્રકનો નંબર જીજે 14 એટી 1422 હોવાનું જોયું હતું. જેથી આ અંગે બી ‘ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મૃતક અંબાલાલ ડામોરના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા બનાવને લઈ શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.