કોટડાસાંગાણીના બુટલેગરે મંગાવેલો ૧૨.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે: થર્ટીફર્સ્ટ માટે દારૂ મગાવ્યાનું ખુલ્યું :૩૧ લાખનો મુદ્દામાલ કબજે.
૩૧ ડિસેમ્બર નજીકના દિવસોમાં હોય બુટલેગરો દ્વારા શરાબના શોખીન બંધાણીઓને શરાબ પુરો પાડવા નિતનવા કિમીયાઓ અને પોલીસને અંધારામાં રાખી દારૂની ખેપો મારવા મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના નવનિયુકત એસ.પી.હિમકરસિંહ દ્વારા દેશી-ઈંગ્લીશ દારૂ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતાં ગુનેગારોને ઘુંટણીએ પાડવા કરેલા આદેશના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા અને ટીમ સક્રિય થયા છે ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે કોટડાસાંગાણી તાલુકાના માણેકવાડા નજીક નવીખોખરી ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે મોડીરાત્રે દરોડો પાડી ત્રિપુટીને ૧૨.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી ૧૫૧૨ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા દ્વારા આગામી ૩૧ ડિસેમ્બરને ધ્યાને રાખી રાજકોટ જિલ્લાની એલસીબી ટીમોને એલર્ટ રહેવા આદેશ કર્યા હતાં. તેમજ દારૂના ધંધાર્થી બુટલેગરો પર વોચ રાખવા કરેલ સુચનાના પગલે પીઆઈ ઓડેદરા તેમજ પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ કે.એમ.ચાવડા સહિતની ટીમ વિસ્તાર પેટ્રોલીંગમાં નીકળી હતી.
તે વેળાએ હકીકત મળી હતી કે કોટડાસાંગાણીના માણેકવાડામાં રહેતો વિદેશી દારૂનો ધંધાર્થી બુટલેગર અજયસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવ્યો છે અને આ દારૂનું કટીંગ રાતના અંધારામાં માણેકવાડા નજીક નવી ખોખરી ગામની સીમમાં થઈ રહ્યું છે.
ઉપરોકત ચોકકસ બાતમીને આધારે એલસીબીની ટીમે વિદેશી દારૂના કટીંગની હેરાફેરી થાય તે પહેલા જ ઓચિંતો દરોડો પાડતાં વિજયસિંહ ઉર્ફે રવિરાજસિંહ ચંદુભા જાડેજા (રહે.માણેકવાડા), હરદીપસિંહ બહાદુરસિંહ ગોહિલ (રહે.રામપર, તા.વલ્લભીપુર, હાલ માણેકવાડા),સત્યેન્દ્રસિંહ ગેમરસિંહ સેકતાવત (રહે.અંગોરા, જિ.ઉદેપુર) વાળાને ફોર વ્હીલ કાર-૫ તેમજ ૧૫૧૨ બોટલ વિદેશી દારૂ, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા.૩૧,૦૮,૦૯૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી દારૂ મંગાવનાર બુટલેગર અજીતસિંહ ઉર્ફે ઘનુભા ચંદુભા જાડેજા, દારૂ લેવા આવનાર જયપાલસિંહ દિગુભા જાડેજા (હરમડીયા), દારૂ મોકલનાર કરણસિંહ રાઠોડ (હાલ અમદાવાદ, મુળ રાજસ્થાન), દારૂની હેરાફેરી કરનાર નવઘણ વેરસિંહ ભરવાડ અને સુખા નાગજી ભરવાડ (રહે.માણેકવાડા) તેમજ કેશરીસિંહ દેવીસિંહ રાઠોડ તેમજ અન્ય ત્રણ અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.