ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી: ગોંડલમાંથી વેંચાણ કરતો વેપારી ઝડપાયો.
રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડિયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા કબ્જે કર્યા
ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ છે અને વેંચાવા પણ લાગતાં પોલીસ સક્રિય થઈ ગઈ છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડીયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા સાથે વેપારીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ વિ. વિ.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ અનીલ ગુજરાતી, ભગીરથસીહ જાડેજા, વાઘાભાઇ આલ સહિતનો સ્ટાફ આગામી ઉતરાયણ પર્વે અનુસંધાને ચાઇનીઝ દોરાના સંગ્રહ તથા વેંચાણ પર પ્રતીબંધ અંગે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન ગોંડલ જે.કે. ચોક સુવાસ હોટલ પાસે ખોડીયાર સીઝન સ્ટોર નામની દુકાનમાં ચેક કરતા બે પુઠાના બોકસ પડેલ હોય જે બોક્સ ખોલી જોતા તેમાંથી પ્લાસ્ટીકની ચાઈનીઝ દોરાની ફીરકી મળી આવી હતી. જેથી સ્ટાફે દુકાનમાં કાઉન્ટર ઉપર બેસેલ શખ્સનું નામ પુછતા ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશ ઉર્ફે પાંચા સદાદિયા (ઉ.વ.૨૬),(રહે. ગોંડલ ભગવતપરા શેરી નં-૧૩/૧૨ પટેલ વાડી સામે) જણાવ્યું હતું.
બાદમાં પોલીસની ટીમે દુકાનમાં પડેલ ચાઈનીઝ દોરાની ફીરકીઓ કુલ-૬૧ રૂ. ૯૧૫૦ના મુદામાલ સાથે દુકાનદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.