ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજયની વધુ ૫ હોસ્પિટલ અને ૨ ડોક્ટર સસ્પેન્ડ.

Loading

હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦નો દંડ ફટકારાયો છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેના પગલે પાટણ જિલ્લાની હિર ચિલ્ડ્રન હૉસ્પિટલ, નિષ્કા ચિલ્ડ્ર્ન હૉસ્પિટલ અને નિયોનેટલ કેર, દાહોદ જિલ્લાની સોનલ હૉસ્પિટલ, અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હૉસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં વિવિધ ખામીઓ અને ગેરરીતિ જોવા મળતાં  PMJAY-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ ઉપરાંત પાટણની નિષ્કા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર સેન્ટરમાં પ્રિ-ઓથ દરમિયાન કુલ ૬૦ જેટલા રિપોર્ટમાં છેડછાડ અને હોસ્પિટલ દ્વારા જે લેબોરેટરીનું ટાઇઅપ કર્યું હતું, પરંતુ તેમની પાસે દર્દીના લેબ રિપોર્ટ ન હતા. આ કારણસર હોસ્પિટલ તેમજ હોસ્પિટલમાં ફરજરત ડૉ. દિવ્યેશ શાહને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા છે. શિવ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી, પાટણને પણ આ યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઇ છે. તેમજ હોસ્પિટલને કુલ રૂ.૧૫,૧૬,૩૫૦નો દંડ ફટકારાયો છે. અમદાવાદની સેન્ટારા ઓર્થોપેડિક હૉસ્પિટલમાં ચોથા અને પાંચમાં માળનું બી.યુ. પરમિશન ન હોવાનું, માર્ગદર્શિકા મુજબ સ્ટાફ અને મોડ્યુલર ઓટીનો અભાવ તેમજ કેટલીક એક્સપાયર્ડ દવાનો જથ્થો મળી આવતાં આવતા હૉસ્પિટલને બી.યુ. પરમિશન ન મળે તેમજ ખામીઓ  દૂર ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાઇ છે.

દાહોદની સોનલ હૉસ્પિટલમાં યોજનાની માર્ગદર્શિકા મુજબ મેન પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાનું અને ઇન્ફેક્શન કંટ્રોલને લગતી કામગીરીમાં પણ ઉણપ હોવાનું જણાતા આ હૉસ્પિટલને પણ સસ્પેન્ડ કરાઇ છે. જ્યારે અરવલ્લીની શ્રી જલારામ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એક્સપાયર્ડ, તેમજ એન.આઇ.સી.યુ.માં માર્ગદર્શિકા મુજબ વ્યવસ્થા જણાઇ ન આવતા આ હૉસ્પિટલને પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન મળે તેમજ જણાઇ આવેલ ક્ષતિઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી છે.

error: Content is protected !!