ગોંડલ પાસે હાઈવે પર રાત્રીના દારૂ ભરેલી કાર સાથે ૩ શખ્સો ઝડપાયા.
૩૬૩ બોટલ દારૂ અને કાર સહિત રૂ. ૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યોઃ મધ્યપ્રદેશથી માલ લઇ જુનાગઢ તરફ જતા હતાંઃ આગાઉ ત્રણ ખેપ લગાવી હતી
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર શંકાસ્પદ કાર અટકાવી તલાશી લેતા તેમાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.
પોલીસે કારના ચોરખાનામાંથી રૂ.૫૪,૪૦૦ ની કિંમતનો ૩૬૩ બોટલ દારૂ સાથે જુનાગઢ પંથકના ત્રણ શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ.૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ આર.આર.સોલંકી તથા તેમની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે રીબડા પાસે હાઇવે પર ટીમ વોચમાં હતી દરિયાન માલધારી હોટલ પાસે એક શંકાસ્પદ કાર અટકાવી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાં ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે કારના ચોરખાનામાંથી રૂ.૫૪,૪૦૦ ની કિંમતનો ૩૬૩ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે જહાંગીર અમીનભાઈ શેખ(ઉ.વ ૪૦ રહે.સુખનાથ ચોક, ૫ પીસોરીવાડા શેરી નં.પુ જૂનાગઢ), આનંદ છગનભાઈ સરવૈયા ઉ.વ ૩૫ રહે. ઉપરકોટ, જૂનાગઢ) અને નરેશ હિરાભાઈ નાગદેવ(ઉ.વ ૩૩ રહે. ટીંબાવાડી સારથી એપાર્ટમેન્ટ, જુનાગઢ) ને ઝડપી લીધા હતાં. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂ. ૨,૦૪,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા આ શખસોની પુછતાછ કરતા આરોપીઓ મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લાવ્યા હતાં અને જુનાગઢ તરફ જઈ રહ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી જહાંગીર અગાઉ હત્યા અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. તે આ પ્રકારે આગાઉ ત્રણ વખત દારૂની ખેપ મારી લગાવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વિશેષ તપાસ હાથ ધરી છે.