નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન : ગોંડલના ૧૨ વર્ષીય બાળકે એક જ મિનિટમાં ૯૭ ભાગાકાર સાચા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં સિદ્ધિ નોંધાવી.

Loading

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે : ઓમ જોશીને ‘રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન’ પ્રાપ્ત થયું.

 

સામાન્ય રીતે, ગણિતની એક અઘરા વિષય તરીકે ગણતરી થતી હોય છે, બાળકો ગુણાકાર-ભાગાકારનું નામ સાંભળીને મૂંઝાઈ જતા હોય છે ત્યારે ગોંડલના એક બાળકે ગણિતની દુનિયામાં કમાલ કરી બતાવ્યો છે અને ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ કહેવતને સાર્થક કરી છે.

ગોંડલમાં રહેતા ૧૨ વર્ષીય શ્રી ઓમ ચેતનભાઈ જોષી એ માત્ર એક જ મિનિટની અંદર ૯૭ ભાગાકાર સાચા ગણીને ‘ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ’માં પોતાનું નામ નોંધાવ્યું છે. ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી માટે મદદરૂપ બનનારા, શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શક તરીકે કાર્યરત ડો. દીપક મશરૂ દ્વારા ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડસના સર્ટિફિકેટ અને મેડલથી ઓમનું સન્માન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે પરફેક્ટ ક્લાસીસના માઈન્ડ મેમરી પાવર ટ્રેનરશ્રી રજનીશ રાજપરાના માર્ગદર્શન હેઠળ ગોંડલના બે બાળકો શ્રી ઓમ જોષી અને શ્રી દધ્યંગ કાકડીયા એ ગણતરીની ક્ષણોમાં ગુણાકાર-ભાગાકાર કરવાનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

જે બદલ તેઓ બંનેને જામકંડોરણામાં યોજાયેલા રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભાના સમારોહમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ‘રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન’નું શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા છે.

શ્રી ઓમના પિતા શ્રી ચેતનભાઈ એ જણાવ્યું છે કે હાલ ઓમ ધોરણ ૮, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઓમ રોજની બે કલાક ફાળવતો હતો. એટલું જ નહીં, એકપણ દિવસની રજા વગર સતત ૧૬ મહિનાથી અમે આ એક જ લક્ષ્ય માટે કાર્યરત રહ્યા હતા. ત્યારે આજે અમને અમારી મહેનત સફળ થયાની ખુશી છે.

આમ, આ બાળકે સાબિત કરી બતાવ્યું છે કે માનવ મગજ પાસે અકલ્પનીય તાકાત રહેલી હોય છે અને જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો કંઈપણ અઘરું કાર્ય પાર પાડવું શક્ય છે.

error: Content is protected !!