ગોંડલમાં બૅન્કનાં નિવૃત્ત કર્મી વિનોદ ગુજરાતી સાથે ₹.૪.૯૧ લાખનું સાયબર ફ્રોડ.
તમારે બૅન્કનાં એપ અડૅટ અને ઇન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે’ કહીં ભેજાબાજે લિન્ક મોકલીને પૈસા ઉપાડી લીધા
દેશભરમાં સાયબર ગઠિયાઓ અનેક લોકો સાથે યેનકેન પ્રકારે ફ્રોડ આચરી રૂપીયા પડાવતાં હોય છે. ત્યારે ગોંડલની યુનિયન બેંકમાં કારકુન તરીકે ફરજ બજાવી બે વર્ષ પહેલાં નિવૃત થયેલ કર્મીને તેની બેંકના નામે જ ડરાવી તમારે બેંકની એપ અપડેટ અને ઈન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે કહીં રૂ.૪.૯૧ લાખ ટ્રાન્સફર કરાવી ફ્રોડ આચરતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ગોંડલમાં અક્ષરધામ સોસાયટી શેરી નં.૪ માં રહેતાં વિનોદભાઈ ઉર્ફે વીનુભાઈ મોહનભાઈ ગુજરાતી (ઉ.વ.૬૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોબાઈલ નં.૯૪૯૦૩૩૮૧૫૦ ના ધારક અને અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ યુનિયન બેંકમાં નોકરી કરતાં અને વર્ષ ર૦રર માં વયનિવૃતિ થયેલ છે. તેઓ યુનિયન બેન્કમાં સેવીગ એકાઉન્ટ અને પત્ની સાથે જોઈન્ટ છે. જે બન્ને ખાતામાં તેમના મોબાઈલ નંબર એટેચ છે. ગઈ તા. ૧૫/૭/૨૦૨૪ ના બપોરના સમયે તેમના મોબાઈલમાં વોટસએપ ઉપર એક અજાણ્યા મોબાઈલ નંબર ૯૪૯૦૩ ૩૮૧૫૦ ઉપરથી મેસેજ આવેલ જે મેસેજ માં તમારૂ એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન બંધ થઈ જશે તમારે બેંકની એપ અપડેટ અથવા ઈન્સ્ટોલ કરો તેમ જણાવેલ હતું. સાથે બેંકની ઇલેક્ટ્રિસિટી નામની લિંક આવેલ અને તે લીંક ઓપન કરતા થોડીવાર બાદ તેમના ખાતામાંથી અલગ-અલગ કુલ રૂ.૫૫ હજાર ડેબીટ થયેલનો ટેક્સ મેસેજીસ આવેલ.જેથી તેમને ઓનલાઈન ફ્રોડ થયેલ હોય તેવી જાણ થતાં તુરંત બેંક પર ગયેલ અને પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધેલ અને બાદમાં સાઈબર હેલ્પલાઈન નંબર પર ઓનલાઈન ફરિયાદ કરેલ હતી.
બીજે દિવસે સવારના સમયે મોબાઈલમાં ટેકસ મેસેજ આવેલ કે, તેમના પત્નીનુ પણ યુનિયન બેન્કમાં આવેલ એકાઉન્ટમાં પણ ફરિયાદીના મોબાઈલ નંબર લીંક હોય તે ખાતામાંથી અલગ અલગ રૂ. ૪.૯૧ લાખ ડેબીટ થયેલના મેસેજીસ આવેલ જેથી તુરંત જ બેંક પર જઈ સ્ટેટમેન્ટ કઢાવેલ અને જાણ થયેલ કે, તેમના પત્નીના ખાતામાંથી કુલ રૂ.૪.૯૧ લાખ ડેબીટ થઈ જે બાબતે સાઇબર હેલ્પ લાઈનમાં જાણ કરી ઓનલાઈન ફરિયાદ કરેલ હતી.ત્યારબાદ ગોંડલ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવેલ અરજી બાદ ફરિયાદીના પ્રથમ રૂ.૫૫ હજાર જે એકાઉન્ટમાં ગયેલ તે એકાઉન્ટ ફ્રિજ કરી દિધેલ હતું. જ્યારે તેમના પત્નીના એકાઉન્ટમાંથી ગયેલ રૂ.૪.૯૧ લાખ બાબતે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.