ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.
“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અંતર્ગત સ્વચ્છતા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.


આ ઇવેન્ટ હેઠળ સ્વચ્છતાની સિદ્ધિઓમાં સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ સહિતની સ્પર્ધાઓ યોજીને સ્વચ્છતા અભિયાનને જન જનનું આંદોલનનું રૂપ આપવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના વિજેતાઓને નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ઉપરાંત, “નમસ્તે કાર્યક્રમ” અંતર્ગત ભૂગર્ભ સફાઇ કર્મચારીશ્રીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે નેશનલ અર્બન લીવલીહુડ્સ મિશન શાખાએ સખીમંડળને ડોર ટુ ડોર “સ્વચ્છતા થી સ્વસ્થતા” અંગે જાગૃતિ લાવવા અંગેની કામગીરી માટે તેઓને વર્કઓર્ડર આપવામાં આવ્યા હતા.



આ તકે ગોંડલના ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખશ્રી મનીષભાઈ ડી. ચનિયારા,ઉપપ્રમુખ શ્રીમતી કાંતાબેન જે. સટોડિયા, કારોબારી ચેરમેનશ્રી રાજેન્દ્રસિહ આર. જાડેજા, સેનીટેશન ચેરમેનશ્રીના પ્રતિનિધિશ્રી અનિલભાઈ કે. માધડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.