જીવતા ત્રણ કારતુસ અને તમંચા સાથે યુવાન દબોચાયો: કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ એસઓજીની કાર્યવાહી.
રાજકોટ જિલ્લા પોલીસ માટે ગોંડલ વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તાર પૈકી એક છે. તેવામાં કોઈ ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલાં જ એસઓજીની સતર્કતાથી ગોંડલમાં જીવતા ૩ કારતુસ અને તમંચા સાથે ફરતો જીત કણસાગરા દબોચાયો છે. સુરત રહેતો આરોપી મૂળ ગીર સોમનાથના બામણા (સાસણગીર)નો વતની છે. ગોંડલના શખ્સે હથિયાર આપ્યાનું રટણ કરતો હતો. ૨૦ વર્ષીય જીત હિસ્ટ્રીશીટર આરોપી છે. તે લૂંટ, મારામારી, દારૂ સહિત ચારેક ગુનામ સંડોવાયેલ છે. ગોંડલમાં ક્યાં ઈરાદે આવ્યો હતો? તેની તપાસ પોલીસ કરી રહી છે બનાવની વિગત એવી છે કે, રાજકોટ રેન્જ આઈજી અશોકુકુમાર યાદવ, જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડએ ગેરકાયદે હથિયાર રાખી ફરતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને એસઓજી પીઆઈ પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રાની રાહબરીમાં ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ગોંડલમાં આવેલો શ્રી હોટલ સામે સુરતનો હિસ્ટ્રીશીટર આરોપી જીતકુમાર જગદીશ કણસાગરા (ઉં. વ.૨૦, રહે. ગંગાસાગર એપાર્ટમેન્ટ વન્ડરફુલ સ્કૂલની બાજુમાં, કુબેરનગર સોસાયટી, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત : મુળ ગામ બામણા (સાસણગીર) તા.તાલાળા, જિ. ગીર સોમનાથ) ગેરકાયદે હથિયાર સાથે ઉભો છે. તુરંત જ વોચ ગોઠવી આરોપીને દબોચી કારતૂસ અને તમંચો કબ્જે કરી ગોંડલ સિટી બી. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. પૂછપરછમાં ગોંડલના જ એક શખ્સે હથિયાર આપ્યાનું રટણ કરી રહ્યો હતો.
પણ સત્ય શુ છે તે પોલીસ તપાસી રહી છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, હજુ થોડા સમય પહેલા જ જીત ગોંડલ આવ્યો છે. અહીં તે કોઈ જગ્યાએ કામ પણ કરે છે. પણ ગોંડલ આવી હથિયાર સાથે ફરવાનો તેનો ઈરાદો શું હતો.? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઈ બી.સી.મિયાત્રા, એ.એસ.આઈ જયવીરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નીરંજની, અમીતભાઈ કનેરીયા, ઈન્દ્રસિંહ જાડેજા, હેડ.કોન્સ. વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, અરવિંદભાઈ દાફડા, ભગીરથસિંહ જાડેજા, કોન્સ. વિજયગીરી ગોસ્વામી, શીવરાજભાઈ ખાચર, ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ઘેડ, અમુભાઈ વિરડા, નરશીભાઈ બાવ- ળીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી.