ગોંડલ નેશનલ હાઇવે બન્યો કાળ:સ્વીફટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કાર સાથે ટકરાઈ,૪ યુવાનો ના કમકમાટીભર્યા મોત.

Loading

આજે મંગળવારે વહેલી સવારે રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક ધોરીમાર્ગ પર એક વિચિત્ર અકસ્માતમાં 4 યુવાનોનો ભોગ લેવાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકો પૈકી 2 યુવાનો ગોંડલના અને 2 યુવાનો ધોરાજીના હોવાનું જાહેર થયું છે. આ અકસ્માત અતિ ગંભીર હતો, જેમાં એક સ્વીફટ કારના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આજે વહેલી સવારે રાજકોટથી ધોરાજી જતી સ્વીફટ કાર નંબર GJ03LG5119 ગોંડલ નજીક સાંઢીયા પુલ ચોકડી અને ગુંદાળા ચોકડી વચ્ચેના રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે, કોઈ કારણસર આ કારના ચાલકે પોતાના વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું. કાર ડિવાઇડર કૂદાવી ગઈ અને કેટલાંયે ફૂટ સુધી પલટી ખાયેલી સ્થિતિમાં ઘસડાઈને સામેથી આવી રહેલાં બોલેરો વાહન નંબર GJ03ML2444 સાથે ધડાકાભેર અથડાતાં બંને વાહનો રીતસર ફંગોળાયા હતાં અને અકસ્માત સ્થળે મોતની ચિચિયારીઓ ગાજી ઉઠી અને ધોરીમાર્ગ પર લોહીના ફૂવારા ઉડયા, ગણતરીની ક્ષણોમાં 4 યુવા જિંદગીઓ તરફડીને કાયમ માટે શાંત થઈ ગઈ.

અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
આ 4 મૃતકો પૈકી 2 કમભાગી યુવાનો ગોંડલના હતાં, તેમના નામો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (35) અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજા (39) હતાં. સિદ્ધરાજસિંહ મારૂતિનગરના અને ક્રિપાલસિંહ મહાકાળીનગરના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત આ ઘાતક અકસ્માતમાં ધોરાજીના 2 યુવાનોનો પણ ભોગ લેવાયો. તેમના નામો વીરેન દેશુરભાઈ કરમટા, યોગાનુયોગ એમનો આજે જન્મદિવસ હતો અને અન્ય યુવાનનું નામ સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા જાહેર થયું છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે સ્વીફટ કારનું એન્જિન પણ કારની બહાર ફેંકાઈ ગયું હતું. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજકોટ-ગોંડલ ધોરીમાર્ગ હાલ સિકસલેન બની રહ્યો છે,

કેટલાંક સ્થળે આ ધોરીમાર્ગ વરસાદમાં ધોવાયો છે. આ ધોરીમાર્ગ પર નાનામોટાં અકસ્માત બનતાં જ રહે છે. આ ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ધોવાણને કારણે ખાડા પણ જોવા મળે છે.

error: Content is protected !!