ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની તત્કાલ કામગીરીઃ આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી સ્થળ પર જ કરાઈ

                                 

ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારની વહારે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લાનું વહીવટી તંત્ર ખડેપગે ઊભું છે અને તેમને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવાઈ છે. તથા અન્ય બાકી દસ્તાવેજો પણ તત્કાલ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે. 

મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોંડલના નવ મનોદિવ્યાંગ બાળકોના પરિવારને તમામ સરકારી સહાય તત્કાલ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ સ્થિતિની સંવેદનશીલતા પારખીને વહીવટી તંત્રને પ્રો-એક્ટિવ અભિગમ સાથે કામે લગાડ્યું હતું. જેમાં ગોંડલના પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટીમામલતદારશ્રી એચ.વી.ચાવડા તેમજ સર્કલ અધિકારીશ્રી યશપાલસિંહ ગોહિલ તાત્કાલિક ગોંડલ તાલુકા ખાતે રેલવે લાઇનની બાજુમાં ઝુંપડપટ્ટીમાં રહેતા રત્નાભાઈ ભૂરાભાઈ પરમારના ઘરે પહોંચ્યા હતા.

આ પરિવારને મળતી સરકારી સહાયની વિગતો જાણી હતી. જેમાં ત્રણ બાળકોની ફિંગર પ્રિન્ટ આવતી ન હોવાથી તેમના આધારકાર્ડ નીકળી શક્યા નહોતા. આથી ૨૭મી ડિસેમ્બરે તંત્રની ટીમ તેમના ઘરે ગઈ હતી અને દોઢેક કલાકની જહેમત ઉઠાવીને ત્રણ બાળકોના આંગળાની પ્રિન્ટ મેળવીને આધારકાર્ડ કાઢવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત રત્નાભાઈ તથા તેમના પત્નીને મળવાપાત્ર નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજનાના ફોર્મ પણ સ્થળ પર જ ભરી દેવામાં આવ્યા હતા.

જેમાં રત્નાભાઈના પેન્શનનો હુકમ કરી દેવામાં આવ્યો છે, જ્યારે તેમના પત્નીના પેન્શનનો હુકમ પણ મંજૂરી હેઠળ છે. આ ઉપરાંતઆ પરિવારના આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડ કાઢવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી તેમજ આધારકાર્ઢના અભાવે રેશનકાર્ડમાં બાકી રહી ગયેલા બે બાળકોના નામ ઉમેરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. વહીવટી તંત્રની ત્વરિત અને માનવીય કામગીરી બદલ આ પરિવારે ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

error: Content is protected !!