ખેડૂતોનો મુરઝાતો પાક બચાવવા તાકીદે નર્મદા કેનાલ શરૂ કરવા કોંગ્રેસની માંગ.

હળવદ તાલુકા કોંગ્રેસ દ્વારા ગૌચર,ખેત તળાવડાં અને ચોરીના બનાવો અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

ખરીપાક સીઝન પૂર્વે હળવદ,મોરબી અને માળીયા તાલુકામાં ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે પરંતુ હજુ સુધી વરસાદ વરસ્યો ન હોય ખેડૂતોના મુરઝાતા મોલને એક પાણ આપવાની મુખ્ય માંગ સાથે મોરબી,માળીયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા મામલે આજે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે – સાથે હળવદ પંથકને ધમરોળતા તસ્કરોને ઝબ્બે કરવા વધુ પોલીસ સ્ટાફ ફાળવવા તેમજ ખેત તલાવડા અને ગૌચરની જમીનોમાં થયેલા દબાણો હટાવવા પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

આજરોજ હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો.કે.એમ.રાણા અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલની આગેવાની હેઠળ મામલતદાર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી હળવદ તાલુકામાં મગફળી કપાસ સહિતના પાકોનું પુષ્કળ વાવેતર બાદ વરસાદ ખેંચાવવાના કારણે પાક ને પાણીની જરૂરીયાત ઉભી થયેલ છે જેથી માળીયા,ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડી ખેડૂતોનો મુરઝાતો પાક બચાવવા માંગ ઉઠાવવામાં આવી હતી.

આ ઉપરાંત છેલ્લા દોઢ માસથી સમગ્ર હળવદ તાલુકામાં ચોર ગેંગ આતંક મચાવી રહી છે ત્યારે શહેર તથા ગામ્ય વિસ્તારના લોકો ચોર ગેંગના ડરના કારણે રાત્રીના ઉજાગરા કરી રહયા હોય પરતો પોલીસ સ્ટાફ ફાળવી ઘટતી જગ્યાઓ ભરવામાં આવે અને શહેર તથા ગામ્ય વિસ્તારમાં સઘન પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી રજુઆત પણ મુખ્યમંત્રીને કરવામાં આવી છે.

રજૂઆતના અંતમાં હળવદ તાલુકામાં સીમ તલાવડા તેમજ ગૌચરની જમીન ભુમાફીયાઓ દ્વારા ખેડી નાખવામાં આવતા સીમ વિસ્તારમાં પશુધનને પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થયેલ હોવાથી તાત્કાલીક દબાણ દુર કરાવી ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

રિપોર્ટર:- અમિતજી વિંધાણી. હળવદ

error: Content is protected !!