બે વર્ષના અંતરાલ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય આયોજન થશે.

જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

કોરોના  કારણે રાજકોટની શાન એવા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન શક્ય બન્યું નહોતું. પરંતુ બે વર્ષના અંતરાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટની આગવી ઓળખ ધરાવતાં જન્માષ્ટમીના સાંસ્કૃતિક લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જેના ઉપલક્ષ્યમાં જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કરે મીટીંગની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, સંભવિત તા.૧૭ ઓગસ્ટ થી તા. ૨૧ ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.

જે અંગે નિવાસી કલેકટરશ્રી દ્વારા લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

લોકો આ મેળાનો મન ભરીને આનંદ લઈ શકે તેવા નક્કર પ્રયાસો સાથે કલેકટરશ્રીએ સમિતિના અધ્યક્ષોને કામગીરી કરવાની સૂચના આપી હતી. જાહેર જનતાની સુરક્ષા અર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવાની કામગીરી અંગે ખાસ સુચના આપી હતી.

 

આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોર, નાયબ કલેકટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!