સુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટો વટાવવાના ષડયંત્રનો પર્દાફાશ : ચાર ઝડપાયા.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા

બહુચર હોટલ પાસેથી ૩ અને બાયપાસ રોડ ઉપરથી એક સહિત ચાર શખ્સ પાસેથી ૫૦,૨૦૦ અને ૧૦૦ના દરની૧૩૫ નકલી નોટો કબજે કરાઇ

સુરેન્દ્રનગર શહેરમાં નકલી ચલણી નોટ વટાવવાના દોઢ-બે મહિનાથી ચાલતા ષડયંત્રનો સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો હતો અને બહુચર હોટલ-દુધરેજ રોડ ઉપરથી ત્રણ અને બાયપાસ રોડ ઉપરથી કાર સાથે એક શખ્સને રૂ.૫૦, ૨૦૦ અને ૧૦૦ના દરની કુલ ૧૩૫ નકલી નોટ સાથે ઝડપી લઈ સુરેન્દ્રનગર તથા જોરાવરનગર પોલીસમાં ગુના દાખલ કરાવી ચારેય શખ્સોની આકરી પૂછપરછ હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બજારમાં ફરતી નકલી ચલણી નોટોથી ભારતીય અર્થતંત્રને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. તેથી નકલી નોટ બજારમાં વટાવવા પ્રયાસ કરતા તત્વો ઉપર પોલીસતંત્ર બાજ નજર રાખી રહ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે દુધરેજ રોડ ઉપર બહુચર હોટલ પાસે કેટલાક શખ્સો નકલી નોટ વટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આથી એસ.ઓ.જી પી.આઈ વી.વી. ત્રિવેદીએ સ્ટાફ સાથે વોચ ગોઠવીને બહુચર હોટલ નજીક શકિત ટ્રેડર્સના ગોડાઉન પાસે રોડ ઉપરથી શ્યામ અશોકભાઈ ઝાલા નામના શખ્સને ૨૦૦ના દરની બે નકલી નોટ સાથે તેમજ ધર્મેશ કરસનભાઈ મકવાણા નામના શખ્સને રૂ.૨૦૦ના દરની ચાર નકલી નોટ સાથે ઝડપી લીધો હતો અને પુછપરછ કરતા તેમને આ બનાવટી નોટો આપનાર પિયુષ રમણલાલ શાહનુ નામ ખુલતા પોલીસે તેને પણ રૂ.૨૦૦ની ત્રણ નકલી નોટ સાથે ઝડપી લીધો હતો. દરમિયાન પોલીસે આ ત્રણેય પાસેથી નકલી નોટ ઉપરાંત મોબાઈલ અને રોકડ સહિત રૂ.૨૭,૮૫૦નો મુદામાલ કબજે કરી કૌભાંડમાં હજડુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પૂછપરછ શરૂ કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં તેમને નકલી નોટ આપનાર શખ્સ પ્રદીપભાઈ ઉર્ફે ટીના મહારાજ શાંતિદાસ દુધરેજીયાનુ નામ ખુલતા પોલીસેે નાકાબંધી કરી બાતમીના આધારે બાયપાસ રોડ ઉપર સિધ્ધનાથ રેસીડેન્સીના બોર્ડ પાસે અલ્ટો કારમાંથી નકલી નોટ સગેવગે કરવાની કોશિષ કરતા પ્રદીપ ઉર્ફે ટીના મહારાજને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.૫૦ના દરની ૩૬, રૂ.૨૦૦ના દરની ૬૦ તથા રૂ.૧૦૦ના દરની ૩૦ મળીને કુલ ૧૨૬ નકલી નોટ કબજે કરી હતી. તે ઉપરાંત અલ્ટો કાર અને મોબાઈલ ફોન સહિત રૂ.૧,૧૦,૦૬૦નો મુદામાલ કબજે કરીને પ્રદીપ ઉર્ફે ટીના મહારાજ સામે જોરાવરનગર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ પ્રદીપ ઉર્ફે ટીના પાસે આ નકલી નોટ કયાંથી આવી ? તે અંગે આકરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.

નકલી નોટ સાથે પકડાયેલા શખ્સોના નામ

(૧) શ્યામ અશોકભાઈ ઝાલા (રહે.ડો.કમલેશ પરીખના દવાખાના સામે, સુરેન્દ્રનગર, (૨) ધર્મેશ કરસનભાઈ મકવાણા, (રહે. શાંતિનગર, જીનતાન ઉદ્યોગનગર, સુરેન્દ્રનગર), (૩)પિયુષ રમણલાલ શાહ (રહે.વર્ધમાન નગર સોસાયટી, રામકુટિર સામે, દુધરેજ રોડ, સુરેન્દ્રનગર) અને (૪) પ્રદીપ ઉર્ફે ટીના મહારાજ શાંતિદાસ દુધરેજીયા (રહે. નવી હાઉસિંગ શાળા નં-૧૭ સામે, સુરેન્દ્રનગર)

જાલી નોટ બીજા લોકો પાસેથી આવી હોવાની સંભાવના: ડીવાયએસપી

સુરેન્દ્રનગરમાં નકલી નોટ પકડાવાના પ્રકરણમાં ડી.વાય.એસ.પી એચ.પી.દોશીએ જણાવ્યુ છે કે પકડાયેલા ચાર શખ્સો પાસેથી કોઈ મશીનરી મળી આવી નથી તેથી આ નકલી નોટો તેમને અન્ય લોકો પાસેથી મળી હોવાની સંભાવના છે. પોલીસ આ બનાવમાં ઉંડી તપાસ કરી રહી છે. બજારમાં નકલી ચલણી નોટો ઘુસાડવાના નેટવર્ર્કનો પોલીસ તંત્ર પર્દાફાશ કરશે

error: Content is protected !!