Surendranagar-સાયલા દારૂકાંડ : PSI સહિત ૫ સસ્પેન્ડ.- જ્યાં સુધી વિભાગ આ પાંચેયને પરત લેવાનો આદેશ ન આપે ત્યાં સુધી સસ્પેન્ડ : ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ.

કાંડના માસ્ટર માઈન્ડ કોન્સ્ટેબલ દેવા ધરજીયાની ‘સ્કીમ’માં સામેલ થયેલા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી અને ક્રિપાલસિંહ જાડેજા ફરજ મોકુફ

નબળા સુપરવિઝન બદલ PSI ભાવના કડછાને પણ સસ્પેન્ડ કરાયા
સાયલાના આયા ગામ પાસેથી ૩૯૪  પેટી દારૂ ભરેલા ક્ધટેનર તેમજ તેના ચાલકનું અપહરણ કરીને રાજકોટની લગોલગ લઈ આવનારા ક્રાઈમ બ્રાન્ચના ચાર કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ સામે વિભાગે લાલ આંખ કરીને પાંચેયને ફરજ મોકુફ કરી નાખતાં જબરો ખળભળાટ મચી જવા પામ્યો છે. એકંદરે ‘તોડકાંડ’ બાદ ‘દારૂકાંડ’ જાણે કે ક્રાઈમ બ્રાન્ચને ‘ભરખી’ ગયું હોય તેવી રીતે દોઢેક મહિનાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચના આઠ કર્મચારીઓ સસ્પેન્ડ થઈ ગયા છે.
આ કાંડના માસ્ટર માઈન્ડ તેમજ પોતાની ‘સ્કીમ’માં અન્ય જવાનોને સામેલ કરનારા કોન્સ્ટેબલ દેવા ધરજીયા ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા, સુભાષ ઘોઘારી અને ક્રિપાલસિંહ જાડેજાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.

આવી જ રીતે પોતાની જ ટીમ શું કરી રહી છે તેનાથી અજાણ રહી નબળી કામગીરી કરનારા પીએસઆઈ ભાવના કડછાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી વિભાગ આ પાંચેયને પરત લેવાનો આદેશ ન આપે ત્યાં સુધી તેમણે સસ્પેન્ડ જ રહેવું પડશે અને હવે આ તમામ સામે આગળની ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલ અને ત્રણ હેડ કોન્સ્ટેબલ સામે અપહરણ તેમજ પ્રોહિબિશનની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બહુ ગાજેલા આ કાંડમાં લાખો રૂપિયાનો દારૂ સુરેન્દ્રનગરના સાયલાથી ડ્રાઈવર સાથે અપહરણ કરી રાજકોટ લઈ જતા હતા તે સમયે ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડો પાડ્યો હતો.

આ વેળાએ રાજકોટનો નામચીન બૂટલેગર સૌરભ ચંદારાણા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે હતો પરંતુ દરોડો પડતાંની સાથે જ તે ફરાર થઈ ગયો હતો.આ ઘટનાક્રમને સ્ટેટ મોનિટરિંગ સેલે ખૂબ જ ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી છે ત્યારે રાજકોટ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સહિત ગુનામાં સંડોવાયેલા ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરવા આદેશ આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

error: Content is protected !!