Rajkot-રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી, ખુર્શીદ અહેમદને સોંપાયો ચાર્જ.

તોડકાંડમાં આક્ષેપો બાદ મનોજ અગ્રવાલની પોલીસ સ્કુલમાં બદલી!

રાજકોટની કથિત કટકીકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે.  SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસ કમિશનર ઈન્ચાર્જ તરીકે ખુર્શીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે લાંચ-રુશ્વત સ્વીકાર્યા અંગેના ગંભીર આરોપો મૂક્યા બાદ હડકંપ મચી ગયો હતો. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતા સરકારની આબરૂના પણ ધજાગરા ઉડ્યા હતા. ત્યાર બાદ ભાજપના સાંસદ રામ મોકરીયા પણ ખુલીને ગોવિંદ પટેલના સમર્થનમાં આવ્યા હતા. આ ઘટના બાદ તો જાણે ફટાકડાની લુમ હોય તે પ્રકારે એક પછી એક તોડકાંડની ફરિયાદો આવવા લાગી હતી.

રાજકોટ ક્રાઇમબ્રાંચ જાણે કે પોલીસ કમિશ્નરનું ઉઘરાણા કરતી સંસ્થા બની ગઇ હોય તે પ્રકારે જમીન મકાનનાં સોદાઓ અને ફસાયેલા નાણાની પતાવટનો ધંધો ચલાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. અનેક બિલ્ડરો અને અનેક સામાન્ય નાગરિકોએ પણ આ અંગે ફરિયાદો કરી હતી. પત્ર વાયરલ થયા બાદ ગુજરાત સરકાર પર પણ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જેના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલ અસરથી જે પી.આઇ પર આરોપો લાગ્યા હતા તે ત્રણેય પીઆઇની બદલી કરી નાખી હતી. ઉપરાંત રાજકોટનાં પીએસઆઇ સહિતનાં તમામ સ્ટાફની બદલીઓનો દોર પણ ચલાવ્યો હતો.

error: Content is protected !!