Gondal-Rajkot ગોંડલમાં નાગરિકોને સરકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવા મેગા લીગલ સર્વિસીઝ કેમ્પ યોજાયો.

જિલ્લા  તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્રના સહયોગથી  કેમ્પમાં સ્થળ પર અરજીના નિકાલની સાથે અરજદારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરાઇ-પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજશ્રી અને કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ-લોકોએ કાનૂની અને સરકારી તંત્રની વ્યવસ્થાને આવકારી

રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આજે સિવિલ કોર્ટ કેમ્પસમાં મેગા લીગલ સર્વિસીઝ કેમ્પનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં ‘‘સર્વને સમાન ન્યાય’’ના મંત્ર સાથે અરજદારોની વિવિધ અરજીઓનો નિકાલ અરજદારની રૂબરૂમાં તત્કાલ કરીને નાગરિકોની સેવા કરવામાં આવી હતી.

        સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં આ કેમ્પમાં ૬૨૨૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. સરકારની વિવિધ યોજનાઓના લાભો   ઉપરાંત દાખલાઓ, સર્ટિફિકેટસ વગેરે માટે વિવિધ સરકારી કચેરીઓના કર્મયોગીઓ ઉપરાંત કાનૂની સેવા સમિતિ સાથે સંકળાયેલા તજજ્ઞો અને વકીલોએ પણ સેવા આપી હતી.

      ગોંડલના મેગા લીગલ સર્વિસીઝ કેમ્પની  રાજકોટના પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી યુ.ટી. દેસાઈ, કલેકટર અરુણ મહેશ બાબુએ મુલાકાત લીધી હતી. અને કેમ્પમાં આવેલા પક્ષકારોના રીવ્યૂ પણ જાણ્યા હતા.

       ગોંડલ સિવિલ કોર્ટના પરિસરમાં આધાર કાર્ડ, ક્રિમીલેયર સર્ટીફિકેટ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, આરોગ્ય સેવા વીજ જોડાણ, એસ.ટી. પાસ, ગંગા સ્વરૂપા સહાય ,વૃદ્ધ પેન્શન યોજના , મહિલા અને બાળ વિકાસ સેવાઓ, રેશનકાર્ડ, મતદાર યાદી સુધારણા અરજી તેમજ અન્ય યોજનાઓના દાખલા, ખેતી સંબંધી દાખલા સહિત વિવિધ ૧૮ કાઉન્ટર પર વિવિધ કચેરીના કર્મયોગીઓએ સેવા આપી હતી .આ કેમ્પમાં ઓનલાઇન કામગીરી પણ કરવામાં આવી હતી. કેમ્પમાં આવેલા તમામ અરજદારો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

    કેમ્પમાં તત્કાલ સેવા મળતા અરજદારોએ સરકારી કામગીરીને આવકારી હતી. ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ સોજીત્રાએ પ્રતિભાવ આપ્યો હતો કે તેમના પુત્રવધુનું નામ રેશનકાર્ડમાં દાખલ કરવુ હતું અને આ કેમ્પમાં એક જ સ્થળે જુદા-જુદા દાખલા કાઢી આપવામાં આવ્યા તેથી માત્ર પાંચ મિનિટમાં જ તેમનું કામ થઈ જતાં તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત શાંતિભાઈ નામના નાગરિકે આયુષ્માન કાર્ડ અંગેની કામગીરી સ્થળ પર જ થઈ જતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

     ગોંડલના આ મેગા કેમ્પનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો અને સુંદર વ્યવસ્થા તથા સુવિધા અનુભવીને કાનૂની તંત્ર અને વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

        આ કેમ્પમાં પ્રિન્સિપલ જજશ્રી ડી.જે છાટબાર, અન્ય જજશ્રી જે.કે પંડ્યા, શ્રી કે ડી દવે, શ્રી વી.કે પાઠક ,શ્રી એન ડી શર્મા, બાર એસોસીએશનના પ્રમુખ આર.એસ.પટેલ, ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝના સેક્રેટરી એચ.વી. જોટાણીયા, ઉપરાંત પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાના પ્રમુખ ,તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર તેમજ અગ્રણી જ્યોતિરાદિત્ય જાડેજા, શ્રી ચંદુભાઈ દુધાત્રા ઉપરાંત વેપારી મંડળ પોલીસ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.     

error: Content is protected !!