હાય રે ગરીબી ! મુન્દ્રામાં આર્થિક તંગીને કારણે પિતાએ દિવ્યાંગ બીમાર પુત્રનું ગળુ દાબી દીધું.

નાની બહેને ભાઇના મોત અંગે માહિતી આપી : પત્નીની ગેરહાજરીમાં ચોકીદાર પતિએ સગા પુત્રને ટુંપો દીધો.

રાજયની વિકાસની વાતો અને રોજગારીની મોટી મોટી જાહેરાતો વચ્ચે દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે હરણફાળ ભરનાર મુન્દ્રા મધ્યે ૯ વર્ષીય બાળકના બનેલા મોતના બનાવે વર્તમાન પરિસ્થિતિ અને સામાજિક સબંધો સામે ચકચાર સાથે સવાલો ખડા કર્યા છે.

મૂળ નેપાળના અને હાલે મુન્દ્રામાં રહી ચોકીદારી કરી પોતાનું પેટિયું રળી રહેલા હરીશ કામી નામના યુવાને પોતાના દિવ્યાંગ અને બીમાર રહેતા ૯ વર્ષીય પુત્ર દિનેશની હત્યા કરી નાખી બીમાર પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું જણાવી અન્ય નેપાળી જ્ઞાતિજનોની હાજરીમાં લાશ દફનાવી નાખી હતી.

જોકે, માતાની ગેરહાજરીમાં પિતાએ આચરેલા આ કૃત્ય વિશે પાંચ વર્ષની નાની દીકરી એ જયારે ઘેર પરત આવેલ માતાને જાણ કરતાં હત્યાના આ બનાવનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસ અને વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું પ્રાંત અધિકારી અને પોલીસ ટીમે મૃતક બાળકની લાશ કાઢી પીએમ માટે જામનગર મોકલાવી છે. હત્યારા પિતાને પોલીસે પકડી લીધો છે.

ચર્ચાતી હકીકત અને પ્રાથમિક તપાસની વિગતો મુજબ ચોકીદારી કરી પેટિયું રળતા પિતાએ આર્થિક તંગીથી કંટાળીને સતત બીમાર રહેતા પુત્રની ગળુ દાબી હત્યા કરી હતી. જોકે, પીએમ રીપોર્ટની રાહ જોઈ રહેલી મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!