Jasdan-Rajkot પ્રજાના પૈસાનું પાણી: જસદણમાં બે મહિના પહેલા જ બનાવેલા નવા ડામર રોડમાં ડામર જ ઉખડી ગયો.

  • બે મહિના પહેલા જ નવા બસસ્ટેન્ડથી બાયપાસ સર્કલ સુધીનો નવો રોડ ચાલકો માટે ખુલ્લો મુકાયો હતો.
  • પાલિકાએ લાખો રૂપિયાના કરેલા ખર્ચનું કોન્ટ્રાક્ટરે પાણી કરી નાખતા નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

જસદણ નગરપાલિકા દ્વારા બે મહિના પહેલા જ સરકારની રોડ રિસરફેસિંગની ગ્રાન્ટમાંથી રૂ.1.22 કરોડના ખર્ચે ત્રણ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે ત્રણ રોડ પૈકીનો જસદણના નવા બસસ્ટેન્ડથી આટકોટ રોડ બાયપાસ સર્કલ સુધીનો એક સાઈડનો ડામર રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડના કામમાં કોન્ટ્રાક્ટરે રાતોરાત રોડનું કામ પૂરું કરી બીજા દિવસે જ ચાલકો માટે ખુલ્લો મૂકી દેતા જેતે સમયે ચાલકોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.

પરંતુ આ રોડમાં પાથરેલો ડામર ગણતરીના દિવસોમાં જ ઉખડી જતા પ્રજાના પૈસાનું પાણી થઈ ગયું હતું. જોકે કોન્ટ્રાક્ટરે પોતાનું પાપ ઢાંકવા માટે એક મહિના પહેલા જ ડામર રોડમાં પડેલા ગાબડાઓમાં થીંગડા બુરી હાશકારો અનુભવી લીધો હતો. ત્યારે જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસેના ડામર રોડનો ડામર જ ઉખડી જતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. જેથી જસદણ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલીયા દ્વારા કોન્ટ્રાક્ટરે આ રોડના કામમાં આચરેલી બેદરકારી અંગે કડક કાર્યવાહી કરવામાં આવે અને આ રોડનું કોન્ટ્રાક્ટર પાસે ફરીથી નવીનીકરણ કરાવવામાં આવે તેવી જસદણના જાગૃત નગરજનોની માંગણી ઉઠવા પામી છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!