એકવીસમી સદીની સૌથી મોટી શીખ.


              જીવન જીવવું એ એક કળા છે. ઘણા આ કળામાં પારંગત હોય છે. ઘણાને આ કળા આવડતી નથી હોતી. તો ઘણા આ કળા શીખતા, શીખવતા હોય છે. ‘આર્ટ ઓફ લિવિંગ’ના નામે શિબિરો રાખવામાં આવે અને વળી લોકો એમાં જોડાઈ પણ ખરા!  એક માણસ કે જે પોતે જ અપૂર્ણ છે તે બીજાને પૂર્ણતામાં જીવવાનું કઈ રીતે શીખવી શકે છે? જીવન શું છે? તેનું મહત્વ શું છે શું? આપણે જોઈએ છીએ કે જાણીએ છીએ એ જ જીવન છે? આ બધા પ્રશ્નો આપણને થતા હોય છે અને થવા પણ જોઇએ. પૃથ્વી પર મનુષ્ય થઈને આવવા પાછળનું કંઇક તો કારણ હશે જ ને. પણ આપણી નબળી માનસિકતા અને આજુબાજુ નો સમૂહ કે જેમાં આપણે ચોવીસ કલાક વીંટળાયેલા રહીએ છીએ તેના પ્રભાવને કારણે આવી મૌલિક વાત કે વિચાર આવતા નથી. અને કદાચ ભૂલથી આવી પણ જાય તો પણ એ વિચાર જાજુ જીવતા નથી. 
         પ્રકૃતિએ ઈશ્વરનું અતિ દિવ્ય, વૈવિધ્યથી ભરપૂર ઉત્કૃષ્ટ સર્જન છે. નદી, પર્વત, જંગલ, ઝરણા, પુષ્પ, સમુદ્ર અને આ સિવાયની બીજી તમામ ઉત્પતિ. પ્રકૃતિ આપણી સૌથી મોટી સહાયક છે એક મિત્ર તરીકે એ આપણી દરેક વ્યથા અને ગાથામાં સામેલ હોય છે. પણ આપ જાણો છો આ બિચારી પ્રકૃતિ કે જે હંમેશા બધાની મદદ કરે છે જે આપણી રક્ષા એક યા બીજી રીતે કરતી રહે છે, એનું દુશ્મન કોણ છે? તો એનો જવાબ છે સંપુર્ણ માનવજાત. અને એમાં કોઈ શંકાને સ્થાન નથી.  આ આપણો સ્વભાવ છે કે જે આપણું હિત કરે એનું આપણે અહિત કરીએ એટલે કે, જે છે એની કદર નથી અને નથી એની પાછળ ભટકિએ છીએ. આપણા નીજી સ્વાર્થ માટે આપણે ગમે તે હદ સુધી જતા રહીએ છીએ. પરંતુ આ હરકતની અસર શું થશે? અથવા કેવું પરિણામ પ્રાપ્ત થશે? એનો આપણે વિચાર સુધ્ધા કરતા નથી. જ્યારે વાત હાથમાંથી નીકળી જાય ત્યારે તેની ગંભીરતાનો બૌદ્ધ થાય છે.  પણ ઓલી કહેવત છે ને કે “અબ પછતાયે ક્યા કરે જબ ચીડિયા ચુગ ગઈ ખેત”.
                   આપણી પાસે બધું જ છે. વાચા, વિચાર, સભ્યતા, બુદ્ધિ, વિવેક છતાં પણ આપણે આપણી જ જાતના દુશ્મન બન્યા છીએ. પહેલા આપણે એમ કહેતા કે ‘જે બીજાને માટે ખાડો ખોદે તેજ તેમાં પડે’ પણ અત્યારની પરિસ્થિતિમાં આ વાત તદ્દન જુદી જ સાબિત થાય છે. આપણે જ આપણા માટે ખાડો ખોદી એ છીએ અને એમાં પડીએ છીએ.  કોઇ-કોઇ તો એવી જ ચેતના સાથે અને વિચિત્ર પ્રકૃતિ સાથે જન્મેલા લોકો હોય છે કે જેને સ્વ અનુભવથી પણ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. ખરેખર દયા ખાવા જેવી બાબત છે કે આપણે જ આપણું અધઃપતન કરી રહ્યા છીએ. જો કોઈ આપણને સુધારવા માંગતું હોય અથવા બે સાચી વાત કરે એટલે આપણે એ સમજવાને કે સ્વીકારવાને બદલે સામા માણસને કેમ ઉતારી પાડવો એનો પ્રયાસ સૌ પ્રથમ કરીએ છીએ.  એક એવી ભ્રામક અવસ્થામાં આપણે સતત જીવીએ છીએ કે, મને બધો ખ્યાલ છે!  મને બધું આવડે છે! હું જ સાચો છું! મારે કોઇની જરૂર નથી! પણ ખરેખર આપણી આ ભ્રામકતા માંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ. સાચી વાસ્તવિકતા અને આપણી ત્રુટીઓને સમીક્ષા કરવી જોઈએ.  જે આપણને કરવામાં જરાપણ રસ નથી. હા એ ફક્ત આપણી જ બાબતમાં લાગુ પડે છે. બીજા કોઈની વાત હોય તો એની છઠ્ઠી સુધીનો આપણે પલકવારમાં પ્રવાસ કરીએ છીએ. 
               કોરોનાવાયરસ જ્યાં સુધી ભારતમાં નહતો પ્રવેશ્યો તે પહેલાની આપણી જીવનશૈલી અને તેના પ્રવેશ્યા બાદના જીવનનું હવે આપણે એનાલિસિસ કરીએ જેથી હું જે કહેવા સમજાવવા માગું છું એનું આપણને ખ્યાલ સ્પષ્ટ થાય. પણ સમજ્યા પછી પણ મને તો સંપૂર્ણ ખાતરી છે કે કંઈ જ ફેર પડવાનો નથી છતાં એક કર્મનિષ્ઠ બ્રાહ્મણ તરીકે આપણને એક વખત વાસ્તવિકતાથી અવગત કરાવવા એ મારી નૈતિક ફરજ છે. અને એ ફરજના ભાગરૂપે હું આ વાત કરી રહ્યો છું. જો પસંદ પડે તો વિચારજો અને ન પડે તો પણ આ લેખ તો પૂરો વાંચ જો જ. 
             કોરોનાને હું અદ્રશ્ય કળિયુગી રાક્ષસ માનું છું. જેમ મિસ્ટર ઈન્ડિયા દેખાતા નથી તેમાં આ મિસ્ટર ચાઇના પણ દેખાતા નથી છતાં પણ છે. આ દેખાવા, ન દેખાવા પાછળ પણ તફાવત છે. ફિલ્મમાં મિસ્ટર ઈન્ડિયા ન દેખાતા હોવ છતાં તે કામતો ભલાયના જ કરતા હતા. લોકોના હિતના કાર્યકર્તા હતા. જ્યારે આ મિસ્ટર ચાઇના લોકના ભોગ લેવાનું કાર્ય કરે છે. આટલો ફેર છે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારોમાં.  ચાઇના એ છે આ કોરોના નામના રાક્ષસ ને છૂટો મૂક્યો છે તેણે લાખો લોકોનો ભોગ લીધો છે અને આ મારી દ્રષ્ટિએ પરોક્ષ રીતે કરેલી હત્યા જ છે તેનું પાપ પહેલા ઝીણી આંખોવાળા ચીનાઓને જશે. ભારતમાં જ્યારે કોરોનાનો સંક્રમણ વધ્યું તે પહેલા કે જ્યારે કોરોના નહતું ત્યારે સવારથી સાંજ માણસ કામ, રૂપિયો, સ્વાર્થ, વૈભિચાર,લોભ, લાલચ વગેરે કાર્યોમા વ્યસ્ત રહેતો સતત આમ-તેમ જીવતા ભટકતા આપણે કુટુંબ, સંબંધ, પ્રેમ, લાગણી જેવા ભાવો ખાસ કરીને માનવતા જેવા ભાવ ભૂલી જ ગયા હતા. પોતાના સ્વાર્થ માટે આપણે પ્રકૃતિનું ધ્વનિ, વાતાવરણ, જળ, ભૂમિ વગેરે તત્વો નું પ્રદુષણ પુષ્કળ પ્રમાણમાં કર્યું છે કરતા આવ્યા છીએ અને જ્યાં સુધી છીએ ત્યાં સુધી કરતા રહીશું. કેમકે આપણે નવા નાકે દિવાળી કરવાના કોન્સેપ્ટ માનીએ છીએ. મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, અમદાવાદ ભારતના દરેક પ્રમુખ શહેરો પ્રદૂષણ થી માંડી બધી જ દૂર વૃત્તિઓથી આખો દેશ લબાલબ હતો. પણ જ્યારે લોકડાઉન નામનું પીંજરું આપણી સામે મૂકવામાં આવ્યું અને આપણે જ્યારે એ પિંજરામાં બંધ થયા. ત્યારે આપણે સ્વતંત્રતાનો સાચો ખ્યાલ આવ્યો. પ્રકૃતિ શું છે? અને તેનું કેટલું મહત્વ છે? તે સમજાયું ઘર, કુટુંબ અને સગાવાલા ના ફિલોસોફીકલ કોન્સેપ્ટ ત્યારે જ ક્લિયર થયા. જે ગંગાજીને સ્વચ્છ કરવા કરોડોના પ્રોજેક્ટ રચવામાં આવ્યા. અબજો રૂપિયા ગંગાજીના સફાઈના નામે ગંગાજીમાં જ સમયા. તેમ છતાં જે કાર્ય સંભવ નહોતું એ લોકડાઉન દરમિયાન થયું પરિણામે ગંગાજીનું પાણી ફરી નિર્મળ બન્યું. ઈશ્વરે પોતે જ પોતાને આ પવિત્ર નદી ને શુદ્ધ કરી.
             આ લોકડાઉનને આપણને, આપણા જીવનને એક અલ્પવિરામ આપ્યો છે. એ વિચારવાનો કે આપણે કોણ છીએ?શું છીએ? આપણા સ્વાર્થ પાછળ આપણે આ પ્રકૃતિનું, કુદરતી સ્રોતોનું કેટલું નુકસાન કર્યું છે! આ બાબત પરથી એક વાત તો માનવી જ પડે કે, આ જે કંઈ પણ થયું. તથા એમાંથી બહાર આવવા થી લઈ આ આખી પ્રક્રિયાનું દોરી સંચાર ઈશ્વરના જ હાથમાં છે. ભગવાનને પોતાની બનાવેલી સુંદર પ્રકૃતિને કે જેને આપણે દૂષિત કરી નાખી છે. તેને સાફ કરવા માટે કદાચ આયોજન કર્યું હોય.આ આયોજન આપણી પામરતાનો અહેસાસ કરાવે છે. ઈશ્વરની આ યોજન આપણી લાચારી તથા પ્રકૃતિની વિરુદ્ધ જવાનું પરિણામ સૂચવતું છે. વાસ્તવમાં આ ઘટનાએ આપણી સમક્ષ  અરિસો મુક્યો છે. જેમાં આપણું મુખડું આપણે કયા રંગનું દેખાય છે લાલ કે કાળું એ નક્કી કરવાનું છે. હું એવું માનું છું કે જે બાબત આપણા લેવલ બહારની હોય અથવા જે વસ્તુ વગાડ્યા પછી સુધારવાની આપણી ક્ષમતા ન હોય. તેવી તમામ બાબતો અને વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તથા આત્મમંથન કરવું જોઈએ કે જે ચાલે છે તેમાં શું સાચું છે શું ખોટું છે? જે કરી રહ્યા છીએ તેનું પરિણામ ભોગવવાની જો આપણામાં તાકાત હોય તો જ આગળ વધવું. કેમકે પ્રકૃતિનો માર ઝીલવાની તાકાત કદાચ આ સંસારમાં કોઈ પાસે નથી. માટે તેને વફાદાર રહી તેનું જતન કરી તેની અગત્યતાને ધ્યાનમાં રાખી તેની સાથે તેની વચ્ચે જીવવું જોઈએ. જો આપણે તેને પ્રેમ કરીશું તો તે આપણને પ્રેમ કરશે. માટે કરેલી ભૂલોનું આત્મમંથન કરી, સચેત બની પ્રકૃતિનો, એના સૌન્દર્યનો,એના પ્રેમાળ સ્વરૂપનો આનંદ માણી મુક્ત મને જીવવાનો પ્રયત્ન કરવો એ જ સાચું સુખ છે. 


error: Content is protected !!