સંબંધ એટલે શું? ” સંબંધોનું અટપટું સમીકરણ ”

સંબંધ એટલે શું? ખરેખર આ એવો પ્રશ્ન છે કે જેનો કોઈ એક જવાબ ન જ હોઈ શકે. આ બાબતે કોઈ સહમત હોય તો કહેજો કે સંબંધ હોય તોય સારું ને ના હોય તોય સારું. મારા ખ્યાલથી આ જ એક એવો વ્યવહાર છે જેમાં આવા મિશ્રભાવો આવતા હોય છે. ખુબ જ અટપટું સમીકરણ છે. આમાં ભલભલા વિદ્વાનો પણ અટવાય છે. કોરોનાની વેક્સિન 110% મળશે. પણ સંબંધની એક પણ સ્પષ્ટ વ્યાખ્યા નહીં મળે.

આપણા માટે સંબંધ શું છે? આપણા ખાલીપાને દૂર કરવાનું એક સાધન કે સંબંધ હોવા છતાં પણ ખાલીપો. માનવ એક એવું પ્રાણી છે કે જે કદાચ આ પૃથ્વી પર એકલો નથી જીવી શકતો. એને એક યા બીજી રીતે કોઈને કોઈ સંબંધ અને એ સંબંધની હુંફ જોતી હોય છે. આપણા માટે દરેક સંબંધ અગત્યનો છે. પણ આપણી કરમ કઠણાઈ કહો કે, આપણી બે જવાબદારી કહો, એ સંબંધ જ્યારે આપણી પાસે આપણી સાથે હોય છે‌. ત્યારે આપણને તેનું મૂલ્ય હોતું નથી. જયારે એ તૂટે છે ત્યારે તેની શું કિંમત હતી તેનો વાસ્તવમાં ખ્યાલ આવે છે. આમ પણ એ આપણો સ્વભાવ છે. જે આપણી પાસે છે એનો અહેસાસ નથી હોતો. અને જે નથી એ જ પ્રાપ્ત કરવો સતત પ્રયાસ હોય છે. આ એવી દોધારી તલવાર જેવું છે કે જેમાં બંને બાજુથી કહેવાતો આ જ સંબંધ ઘવાય છે. પ્રેમન, લાગણી, કરુણા,અપેક્ષા, આકાંક્ષાઓ, જરૂરીયાતો, સુખ- દુઃખ અને એકાંત આ બધું સંબંધ સાથે જ જોડાયેલું છે. કોઈ મારી માટે કંઈક કરે અને હું કોઈ માટે કંઈક કરું એવી પરસ્પરની આશા એટલે સંબંધ. પણ આ જ આશા અને અપેક્ષાઓ સંબંધને ઉધઈની જેમ અંદરથી ખોખલું કરે છે. આજ સંબંધમાં રોગનું મૂળ કારણ છે.

જ્યારે આપણે ઘવાઈ છીએ . આહત થઈએ છીએ. ત્યારે આ સંબંધ ના સમીકરણને સમજવાનો ભરપૂર પ્રયત્ન કરીએ છીએ. પણ પરિણામ પાણી પર લીટી દોરવા જેવું આવે છે. એક સંબંધને નિભાવવા આપણે કેટલું મથીએ છીએ! અહીં પાછી એક વાત સ્પષ્ટ કરી દઉં કે સજીવના સજીવ સાથેના સંબંધો તો હોય જ છે. પણ સજીવના નિર્જીવ સંબંધોમાં પણ એટલો જ ભાવ જોડાયેલો હોય છે. દાખલા તરીકે રાજકારણીઓને એની ખુશી સાથેનો સંબંધ.. LOL.. દરેક સંબંધોની પોતાની વયમર્યાદાઓ હોય છે. ઘણા સંબંધો આપણા જીવનમાં એવા હોય છે કે જેને આપણે દૂર કરી શકીએ છીએ. જ્યારે ઘણા સંબંધો આપણા જીવનની કિતાબમાં એવા લખાયા હોય છે કે એ પાનાંને આપણે ફાડીને ફેંકી દઈએ છીએ. પણ બીજા પાના પર એની સળ પડી આવેલી હોય છે અને સળ વાળું પાનું આપણને હજુ એક તક આપે છે. એ વિખરાયેલા, છુટા પડેલા સંબંધોને ભેગા કરવા માટે. આપણે સંબંધોને વાચા આપવાનો અને શ્વાસ લેવાનો મોકો આપતા નથી. અને આપીએ છીએ તો સામેવાળી વ્યક્તિ એનો ભરપૂર લાભ પણ ઉઠાવતી હોય છે. અહીં એક વાત તો સ્પષ્ટ છે કે આ સંબંધ બહુ વિચાર માંગી લે છે. તર્કશક્તિનો પૂર્ણ ઉપયોગ અહીં કરવામાં આવ્યા છે. સંબંધોમાં જેટલો લાભ છે તેટલી જ તેમાં હાની પણ હોય છે.

આ માયાનું એવું આવરણ છે કે જેમાંથી બહાર આવવું લગભગ અશક્ય છે. આમાં રહીને જીવવાનો પ્રયત્ન કરવાનો હોય છે.આ તો એવી વાત થઈ કે વરસાદ પડતો હોય છતાં કોરા રહેવાનો આપણો સંપૂર્ણ પ્રયાસ. મારું માનો તો સંબંધ સમજાવા કરતાં અને માણવો જોઈએ. એની સામે સંઘર્ષ કરવાને બદલે પરિસ્થિતિને અનુરૂપ એને ઢાળવાનો અને વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ સંબંધ ક્યારેય પરિપૂર્ણ નથી હોતો. કોઈપણ સંબંધ અમર પટ્ટા સાથે આપણા જીવનમાં નથી આવતો. આપણે આ દુનિયામાં કેટલા લોકોને જાણીએ છીએ એના કરતાં કેટલા લોકો સાથે સંબંધ છે? અને કેવો સંબંધ છે? એ અગત્યનું છે. અને તેનાથી પણ વધુ અગત્યનું એ છે કે એમાંના કેટલા સંબંધોથી તમને અને તમારાથી એ સંબંધોને ફેર પડે છે‌.

સંબંધો અરીસાનું કામ કરે છે. એ આપણને આપણી વાસ્તવિકતા થી અવગત કરાવે છે. દરેક સંબંધોનું પોતાનું એક અલગ સ્થાન હોય છે. કોઈ પણ સંબંધોને અન્ય સંબંધો સાથે ન સરખાવવા જોઈએ. કેમકે દરેક સંબંધની પોતાની એક ઓળખ, એક આગવી વિશેષતા હોય છે. જે એને સારા-ખરાબ, મધુર અથવા કડવા બનાવે છે. માટે આ સંબંધોને પરિસ્થિતિના આધારે ચલાવી બને એટલા પ્રમાણિકતાથી નિભાવા જોઈએ. જયાં સુધી એની અવધી છે ત્યાં સુધી એ ચાલવાના જ છે. પણ જ્યારે એનો સમય સમાપ્ત થશે ત્યારે લાખ પ્રયત્નો છતાં પણ તેનો કરુણ અંત આવવાનો. સંબંધો તા’ઉંમર સત્ય અને અસત્યની થપાટ વચ્ચે સતત સંઘર્ષ કરતા રહે છે. સંબંધમાં સત્યની જેટલી અગત્યતા છે કદાચ એટલી જ અગત્યતા અસત્યની પણ છે કારણ માત્ર એક જ છે કે આપણા એ સંબંધને જાળવી રાખવો આપણાથી દૂર ન કરવાનો સદભાવ આ અસત્ય પાછળ હંમેશા છુપાયેલું હોય છે. જેમ નાવિક સતત દરિયાને ખેડી પોતાના જીવનનો ગુજારો કરે છે. એવી જ રીતે આપણે પણ આ સંબંધરૂપી દરિયાને સતત ખેડી હુંફ અને મારા પણાની લાગણી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. સંબંધમાં પણ દરિયાની જેમ ભરતી – ઓટ આવતાં જ હોય છે પણ આપણી કુશળતા ત્યારે જ સાબિત થાય છે જ્યારે એ ભરતી અને ઓટના સમયગાળામાં આપણે સાવચેતીથી સંબંધોના કિનારે ઉભા રહીને સમજદારીથી એ સમયને પસાર થવા દઈએ. હું એવું માનું છું કે સહજ અને સરળ સ્વીકૃતભાવે ઈશ્વર ઇચ્છાથી થતું બધું આવકાર્ય હોવું જોઈએ. જે કંઈ પણ થઈ ગયું એ સમજ અને સલાહ આપતું ગયું. જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઈશ્વર ઈચ્છાથી થઈ રહ્યું છે. અને જે કંઈ પણ થવા જઈ રહ્યું છે એમાં આપણો આગળનો અનુભવ અને સમજ તો એમાં કામ કરે જ છે. પણ ઈશ્વર ઈચ્છા એમાં વિશેષ કામ કરે છે.

લેખક:-જય ભટ્ટ.

error: Content is protected !!