Jasdan-Rajkot જસદણનાં આંબરડી ગામની જીવન શાળાના આચાર્ય અને તેમના પરિવાર પર ટોળાનો હુમલો, 20 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ.

અગાઉ આચાર્ય સહિતનાએ એક યુવકને માર મારતા તેનો ખાર રાખી હુમલો થયાનું ખુલ્યું.

ગઢડાના લીંબાળી ગામના હથિયારધારી ટોળાએ ફિલ્મી સ્ટાઈલથી તોડફોડ પણ કરી હતી.

જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ જીવન શાળાના આચાર્ય અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી ખોડાભાઈ ખસીયા, તેમના પત્ની લાભુબેન અને પુત્ર કૃપાલ પર ગઢડા તાલુકાના લીંબાળી ગામના 20 જેટલા લોકોના ટોળાએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિવારને જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ જીવન શાળાના આચાર્ય અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી સહિતનાએ એક યુવકને બેફામ માર માર્યો હતો તેનો ખાર રાખી હુમલો કરાયો.

પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ જીવન શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કામ કરતા અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી ખોડાભાઈ બચુભાઈ ખસીયા(ઉ.વ.62) સહિતનો પરિવાર જીવન શાળા ખાતે નવા વર્ષ નિમિત્તે ગત તા.16 ના રોજ સગાસબંધીઓ સાથે બેઠા હતા. ત્યારે કારમાં ધસી આવેલા ગઢડા તાલુકાના લીંબાળી ગામના જયંતીભાઈ પોપટભાઈ ઝાપડીયા, શૈલેષભાઈ, પાંચાભાઈ, પ્રવીણભાઈ બચુભાઈ, લાલાભાઈ ઝાપડીયા, બાબુભાઈ ઝાપડીયા, ભવાનભાઈ ઝાપડીયા, વિજયભાઈ ભવાનભાઈ ઝાપડીયા, મુકેશ વલ્લભભાઈ, અતુલ વલ્લભભાઈ સહિતના 20 જેટલા લોકો ટોળા સાથે ધસી આવ્યા હતા. આ તકે ટોળાએ તમે તથા તમારા માણસોએ અમારા કુટુંબના છોકરાને કેમ મારકૂટ કરી તેમ પૂછતાં આ બાબતે સમાધાન થયું હોવાનું ખોડાભાઈ ખસીયાએ જણાવ્યું હતું. પરંતુ ટોળામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે, આ સમાધાન અમને મંજુર નથી તેમ કહીને બેફામ ગાળો ભાંડી હથીયારો સાથે તૂટી પડ્યા હતા. આ હુમલા દરમિયાન જીવન શાળાની ઓફીસ અને રૂમોમાં રહેલી ખુરશીઓ તેમજ પંખાઓમાં તોડફોડ કરી કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. ટોળારૂપી આવેલા લોકોએ જણાવ્યું હતું કે, તમારાથી અમારા દીકરાને કેમ મરાય હવે તમને આ ભારે પડશે તેમ કહીને ખોડાભાઈ ખસીયા, તેમના પત્ની લાભુબેન અને પુત્ર કૃપાલ તથા વહુ હેતલબેન મધુભાઈ મકવાણાને બેફામ માર માર્યો હતો. આ બનાવમાં ઈજાગ્રસ્ત પરિવારજનોને 108 ની મદદથી સારવાર માટે જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જસદણ પોલીસ મથકના પીએસઆઈ આર.પી.કોડીયાતર અને રાઈટર મથુરભાઈ સહિતની ટીમે ખોડાભાઈ ખસીયાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં ફિલ્મી સ્ટાઈલથી કરેલા હુમલાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!