Jasdan-Rajkot જસદણના વિરનગર ગામે એક આદિવાસી મહિલા મકાઈનો સળગતો પુળો માથે ફેંકતા દાઝી જતા ગંભીર.


જસદણના વિરનગરમાં ભરતભાઇ રૂપારેલીયાની વાડીમાં પતિ, સંતાન સાથે રહી મજૂરી કરતી મુળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાબેના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજ ચંદાણા (આદિવાસી) (ઉ.વ.૨૩)ને રાતે સાડા નવેક વાગ્યે વાડીએ હતી ત્યારે તેના કુટુંબના અને અહિ જ મજૂરી કરતાં તેમજ પોતાને દશામાનો ભુવો ગણાવતાં નિલેષે  પોતાના બનેવી અને માસા સાથે મળી ‘તું મારા દશામાના મંત્રો અને શબ્દો લઇ ગઇ છો’ તેવું આળ મુકી મારકુટ કરી ધોકા-પથ્થરથી ઇજા કરી બાદમાં મકાઇનો પુળો  સળગાવી તેણીની માથે ફેંકી દઝાડી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઉર્મિલાને રાજકોટ દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સબાડે જાણ કરતાં આટકોટ પીએસઆઇ કે. પી. મેતા, રસિકભાઇ, દશરથભાઇ સહિતના સ્ટાફે રાજકોટ આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. ઉર્મિલાએ જણાવ્યું હતું કે નિલેષ, તેનો બનેવી મુકેશ અને મુકેશનો માસો સતિષ આ બધા પણ વાડીમાં રહી મજૂરી કરે છે અને અમારા સગામાં જ થાય છે. નિલેષ પોતાને દશામાનો ભુવો ગણાવે છે.
રાતે અમે વાડીએ હતાં ત્યારે નિલેષ સહિતનાએ આવીને ‘તું દશામાના મારા શબ્દો અને મંત્ર લઇ ગઇ છો, હવે મંત્ર વિધી કરીને મારે મારા શબ્દો-મંત્ર પાછા લેવા પડશે’ તેમ કહી મને વિધીમાં બેસાડી હતી અને મારા પતિ તથા એક વર્ષના પુત્ર ધ્રુમિલને વિધી ચાલતી હોઇ રૂમમાં બેસવાનું કહ્યું હતું. એ પછી નિલેષ, તેના બનેવી મુકેશ અને મુકેશના માસા સતિષે મળી મને ધોકા-પથ્થરથી મારકુટ કરી હતી અને મંત્રવિધીનું નાટક કરી બાદમાં મંત્રો-શબ્દો પાછા માંગી મારા પર મકાઇનો મોટો પુળો સળગાવીને ફેંકતાં કપડા સળગતાં દાઝી ગઇ હતી.
આટકોટ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!