Jasdan-Rajkot જસદણ પાલિકાએ એકાંતરા પીવાનું પાણી વિતરણ કરતા નગરજનોમાં હાશકારો.

  • અગાઉ દર 4 દિવસે પીવાનું પાણી વિતરણ કરાતું હોવાથી લોકોમાં પાણીનો પ્રશ્ન ઉઠતો હતો.
  • પાલિકાએ નવરાત્રી પૂર્વે પાણીની ભેટ આપતા નગરજનોમાં ખુશાલી છવાઈ ગઈ હતી.

જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતું આલણસાગર તળાવ કુદરતની મહેરબાનીથી ઓવરફલો થઈ ગયું છે. જેના કારણે તળાવનું વધારાનું પાણી ભાદર નદીમાં વહી રહ્યું છે. છતાં જસદણ નગરપાલિકા દ્વારા આજદિન સુધી જસદણ શહેરભરમાં દર ચોથા દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હતું. જેથી જસદણ નગરપાલિકાનાં પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા દ્વારા શહેરભરમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવામાં આવે તેવી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેના પગલે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં એકાંતરા પીવાનું પાણી વિતરણ કરવા માટે ગ્રાઉન્ડ લેવલની કામીગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી જસદણ નગરપાલિકા દ્વારા પીવાના પાણી પ્રશ્ને લોકોની રજૂઆતને ધ્યાને લઈને શહેરભરમાં દર ચાર દિવસના બદલે એકાંતરા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા શરૂ કરાતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. એકાંતરા પીવાનું પાણી પૂરું પાડવા માટે રાત-દિવસ જોયા વગર સતત પુરૂષાર્થ કરતા જસદણ નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અંતે રંગ લાવી હતી.

જસદણના જીવાદોરી સમાન ગણાતા આલણસાગર તળાવ સહિત જસદણના તમામ સંપ, ઓવરહેડ ટેન્ક, ભૂગર્ભ ટાંકા સહિતમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવાથી લોક પ્રશ્નને વાચા મળી હતી. જેમાં પાણી પુરવઠા સમિતિના ચેરમેન પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલીયા, નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધી અલ્પેશભાઈ રૂપારેલીયા, ઉપપ્રમુખ દીપુભાઈ ગીડા, કારોબારી સમિતિના ચેરમેન કાજલબેન ઘોડકીયા, બાંધકામ સમિતિના ચેરમેન મીઠાભાઈ છાયાણી તેમજ વોર્ડ નં.5 ના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા તેમજ વોર્ડ નં.2 ના કોર્પોરેટર બિજલભાઈ ભેસજાળીયા, અરૂણભાઈ વઘાસીયા સહીતનાઓ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી રાત-દિવસ જોયા વગર પાણી માટે પરિશ્રમ કરી અને સુંદર આયોજન કરતા આટકોટ રોડ સંપના તેમજ ચિતલીયા રોડ સંપ હેઠળ આવતાં વિસ્તારોમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

જેથી જસદણ શહેરના લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે. આગામી દિવસોમાં જસદણના ગઢડીયા રોડ અને વાજસુરપરા સહીતના વિસ્તારોમાં પણ એકાંતરા પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા હાલ યુધ્દ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પીવાના પાણી બાબતે ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવા બદલ નગરજનો સાથે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય સરકારના સરદાર પટેલ જળ સંચય નિગમના અધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

જસદણ:-પિયુષ વાજા દ્વારા

error: Content is protected !!