Gandhingar. વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત.

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે રાજ્ય સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.

આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે લોકોને કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે પૈસા ધીરાણ કરીને, પાછળથી ધીરવામાં આવેલા નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક-ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના અનેક બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલકત પણ બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવાના સુધીના પગલા લેવામાં આવે છે. આ બદીને ડામવા એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જિલ્લા-શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલા લેવા માટે આદેશ આપ્યો છે.

બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરનારાઓ સામે ગુનો દાખલ કરીને, ઝડપીમાં ઝડપી આરોપીની પુરાવાના આધારે ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય.

કેટલાક કિસ્સાઓમાં વ્યાજખોરો દ્વારા નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવી ઘટનાઓમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજિસ્ટ્રાર દ્વારા આવી મિલકતો વ્યાજખોરો પાસેથી જપ્ત કરીને મૂળ માલિકને પરત આપવાની જોગવાઈ છે. આ જોગવાઈ સંદર્ભે પણ રજિસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત આવા આરોપીઓ સામે પાસા અને પ્રીવેન્સન મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેથી આવા આરોપીઓ દ્વારા વસાવવામાં આવેલી સંપત્તિને પણ ટાંચમાં લઈ શકાય. આવા આરોપીઓનું લિસ્ટ બનાવીને તેમના ઉપર વોચ રાખવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે.

error: Content is protected !!