ગુજરાત સરકાર ની નવી પહેલ ડિજીટલ સેવા સેતુની જાહેરાત : ૨૨ સેવાઓ ગ્રામિણોને ઘર આંગણે

ગુજરાતના ગામડાના લોકોને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહિ પડે : ગ્રામિણ વિસ્તારોમાં ડિજીટલ ક્રાંતિનું નવું સોપાન : ઘરઆંગણે જ મળશે જનહિત લક્ષી યોજનાઓનો લાભ : રેશનકાર્ડ – આવકનો દાખલો, વિધવા સર્ટી. સહિતની સેવાઓ ગામડાના લોકોને ગામમાં જ મળશે : ૮મીથી ૨૭૦૦ ગ્રામ પંચાયતમાં અમલ ડિસે. સુધીમાં ૮૦૦૦ ગામોને આવરી લેવાશેઃ વિજયભાઇ રૂપાણીની જાહેરાત

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જયાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે.  રાજયના  ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજયમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહિ ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ ર૨ જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી ૮ ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં વધુ ૮ હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે.

 મુખ્યમંત્રીશ્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં ૮ થી ૧૦ ગામોનું કલસ્ટર બનાવી નિશ્યિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવેલો.

રાજયભરમાં આવા ૧ર૮૦૦થી વધુ સેવાસેતુના તબકકાઓ યોજીને ર કરોડ લોકો-નાગરિકોને ઘર આંગણે સેવાઓ મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે.

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિઝીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે.

આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ર૦ રૂપિયાની નજીવી ફી થી મળશે.  

મુખ્યમંત્રીશ્રીએ આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, Oaths Act ૧૯૬૯ના કલમ-૩ ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્ત્।ાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન  દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે.

ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડીજી લોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિઝીટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે.

આવનારા દિવસોમાં ડિઝીટલ ટેકનોલોજીને એક સક્ષમ પ્લેટફોર્મ બનાવીને ડિઝીટલ સેવા સેતુમાં રાજયના તમામ ગામોને તથા બહુધા સેવાઓને આવરી લેવાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી ૧૦૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.

  વિજયભાઇ રૂપાણીના ટેકનોલોજી આધારિત આ જનહિતકારી પ્રકલ્પ ડિઝીટલ સેવા સેતુથી રાજયના ૧૮ હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે. આ ડિઝીટલ સેવાસેતુ ગુડ ગર્વનન્સ-સુશાસનની દિશામાં ગુજરાતની એક નવતર પહેલ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થશે અને ગુજરાત ફરી એકવાર મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ક્રાંતિ દ્વારા દેશનું પથદર્શક બનશે.

Hi‘ લખવાથી ગુજરાત સરકારની તમામ  યોજનાની માહિતી આવી જશે તમારા વોટ્સએપ પર

અમદાવાદ તા. ૬ : ભાજપાના ટેકનોસેવી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાજયના નાગરિકો હવે ઘેર બેઠા સરકારની વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી વ્હોટ્સએપ હેલ્પડેસ્કના માધ્યમથી મેળવી શકશે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી તૈયાર કરાયેલા ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

નાગરિકોએ ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને ‘Hi‘ મેસેજ કરવાનો રહેશે.

ત્યાર બાદ મેસેજ આવશે, જેનો રીપ્લાય ‘0 (ઝીરો) લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે.

નાગરિકોને જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલશે એટલે જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે.

આમ ગુજરાત સરકારની તમામ યોજનાઓ જન-જન સુધી પહોંચે તે હેતુથી આ વોટ્સઅપે હેલ્પડેસ્ક તૈયાર કરાયું છે. આમ, નાગરિકોને સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ રીતે ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક લોકો સરકાર દ્વારા પ્રજાલક્ષી કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકાય છે તેની માહિતી નાગરિકોને હોતી નથી. જેથી અનેક લોકો આ લાભથી વંચિત રહી જાય છે. આવામાં ગુજરાતમાં વધુને વધુ લોકો આ લાભ લે અને તેઓને યોજનાની સંપૂર્ણ માહિતી એક કિલક પર મળી રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે.

હવે ગ્રામ પંચાયતમાં જ આ  ૨૨ કામ કરાવી શકાશે

૧.   રેશન કાર્ડમાં નામ ઉમેરવા

૨.   રેશન કાર્ડમાંથી નામ કાઢવું

૩.   રેશન કાર્ડમાં સરનામું સુધારવું

૪.   નવું રેશન કાર્ડ કાઢવું

૫.   રેશન કાર્ડનું જુદું કરવું

૬.   રેશન કાર્ડના વાલી માટેની અરજી

૭.   ડુપ્લિકેટ રેશન કાર્ડ

૮.   વિધવા સર્ટિફિકેટ

૯.   ટેમ્પરરી રેસિડેન્સ સર્ટિફિકેટ

૧૦. આવકનો દાખલો

૧૧. અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો  (પંચાયત આવક વગર)

૧૨. સિનિયર સિટિઝન સર્ટિફિકેટ

૧૩. ભાષા આધારિત માઈનોરિટિ સર્ટિફિકેટ

૧૪. રિલિજિયસ માઈનોરિટિ સર્ટિફિકેટ

૧૫. વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ

૧૬. મુખ્યમંત્રી કૃષિ સહાય

૧૭. આવકના દાખલાનું એફિડેવિટ

૧૮. વિધવા સહાય સંબંધિત એફિડેવિટ

૧૯. જાતિના દાખલાનું એફિડેવિટ

૨૦. રેશન કાર્ડ માટેનું એફિડેવિટ

૨૧. નામ બદલવા માટેનું એફિડેવિટ

૨૨. અન્ય તૈયાર એફિડેવિટ

error: Content is protected !!